ગુજરાતમાં દરિયામાં હાલમાં કરંટ જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં ઊંછા મોજા ઉછળી રહ્યાં છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી છે.આવા સમયે પ્રવાસીઓ દરિયામાં જોખમી મોજ માણી રહ્યાં છે. સોમનાથનો દરિયો તોફાની માનવામાં આવે છે. હાલના સમયમાં દરિયો ગાંડોતૂર બની રહ્યો છે. ત્યારે પ્રવાસીઓ આ પ્રતિબંધિત દરિયામાં જોખમી સ્નાન કરી રહ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતાં. જિલ્લા મેજિસ્ટ્રેટે દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં દરિયામાં સ્નાન કરતા લોકોને રોકવા માટે તંત્ર હવે એક્શનમાં આવ્યું છે.
ભારે કરંટ હોવાથી દરિયામાં ન્હાવું જોખમી
સોમનાથના દરિયામાં હાલમાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં સ્નાન પર પ્રતિબંધ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયુ હોવા છતાં પ્રવાસીઓ દરિયામાં સ્નાન કરવાની જોખમી મોજ માણી રહ્યા હતાં. હવે તંત્ર એક્શનમાં આવ્યું છે અને દરિયાકાંઠે પ્રતિબંધિત જગ્યાએથી લોકોને હટાવાઈ રહ્યાં છે. વાવાઝોડાની સ્થિતિને કારણે ભારે કરંટ હોવાથી દરિયામાં ન્હાવું જોખમી છે.
પોલીસે પ્રવાસીઓને દરિયા કિનારેથી હટાવ્યા
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સોમનાથના દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અમલી કર્યું છે. તે છતાંય લોકો જાહેરનામાનું ઉલ્લંઘન કરીને દરિયામાં જોખમી સ્નાન કરી રહ્યાં છે. આજે પોલીસ અને તંત્રના અધિકારીઓએ સોમનાથના દરિયામાં સ્નાન કરતા પ્રવાસીઓને હટાવ્યા હતાં. લોકો દરિયામાં જઈને ફોટોગ્રાફી અને સ્નાન કરવાની મોજ માણી રહ્યાં હતાં. ગઈકાલે સોમનાથના દરિયામાં જોખમી મોજ કરતા પ્રવાસીઓના દ્રશ્યો સામે આવ્યા બાદ તંત્ર અને પોલીસે આજે કાર્યવાહી કરી છે.
દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા
બીજી તરફ દ્વારકાના દરિયામાં પણ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યાં છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં માછીમારી કરતી બોટ નજરે પડી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે આદેશ કરાયો છે. મનાઇ હોવા છતા જીવના જોખમે માછીમારી કરતા માછીમારોની બોટ જોવા મળી રહી છે. કોઈપણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે અંગે પણ અનેક સવાલો ઉભા થયાં છે.









