- કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી ફાંસીની સજા
- કોડીનારની 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું
- બાળકીના પરિવારને 17 લાખનું વળતર ચૂકવવા આદેશ
12મી જૂન 2022ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની 8વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી દેનાર એક નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ પ્રકારની કડક કાર્યવાહી થકી, ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે. એટલું જ નહિ, આ પ્રકારના ગંભીર અને સંવેદનશીલ કેસમાં બારીકાઈથી તપાસ હાથ ધરી તમામ આનુષંગિક વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી દોષિતોને ફાંસી સુધીની સજા થાય તેવું ઇન્વેસ્ટીગેશન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.













