ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને ગીર અભયારણ્ય, ગીર નેશનલ પાર્ક, પાણિયા અભયારણ્ય તથા મિતિયાળા અભયારણ્ય ફરતે આવેલા 2 થી 8 કિલોમીટર સુધીના ઈકો સેન્સિટિવ ઝોનમાં રહેણાંક-વાણિજ્ય- ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અથવા તેમના દ્વારા અધિકૃત સક્ષમ જંગલ અધિકારીના ના-વાંધા પ્રમાણપત્ર લેવાને બદલે સ્થાનિક કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની ચાર સભ્યોની સમિતિ દ્વારા એનઓસી લેવાનું તેમજ આ બધી પ્રવૃત્તિઓનું નિયમન આ જ કમિટી મારફત કરાવવાનું નક્કી કર્યું છે.


રાજ્ય સરકારના આ પગલાંથી વનવિભાગની આખરી સત્તા ઉપર કાપ લદાયો હોવાનું દેખીતી રીતે જણાય છે. જો કે વનવિભાગના અધિકારીઓ દ્વારા એવી દલીલ થઈ રહી છે કે આખા દેશમાં અભયારણ્યો ફરતેના ઇકો સેન્સિટિવ ઝોનમાં કમર્શિયલ તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓની એનઓસી આપવાનું તથા નિયમન કરવાનું કાર્ય સ્થાનિક કલેક્ટર હેઠળની કમિટી જ સંભાળતી હોય છે અને એ રીતે રાજ્યમાં ગઠિત થયેલી કમિટીની ભલામણો ફાઇનલ મંજૂરી માટે આખરે તો ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન પાસે જ આવવાની છે. રાજ્ય સરકારની સૂચનાથી વનવિભાગે ઉપરોક્ત નવા સુધારેલા નિર્ણય અંગે તા.1 -7 -2015 ના ઠરાવમાં સુધારા કરતો નવો ઠરાવ બહાર પાડયો છે. આ સુધારેલા ઠરાવ મુજબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંબંધિત નાયબ વનસંરક્ષકને સભ્ય સચિવ તરીકે તથા ડીડીઓ અને ડીએસપીને સભ્યો તરીકે સામેલ કરતી નવી કમિટી બનાવાઈ છે, આ કમિટી ગીર નેશનલ પાર્ક અને ત્રણ અભયારણ્યો ગીર, મિતિયાળા, પાણિયા ફરતે ઈકો ઝોનમાં હૉટલ, રિસોર્ટ, ફાર્મ હાઉસ, રહેણાંક, હોમ સ્ટે ઉપરાંત વાણિજ્યક અને ઔદ્યોગિક એકમોના બાંધકામોને મંજૂરી માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઇશ્યૂ કરશે.

અત્યારે 300થી વધુ ધમધમતા એકમો નવા નિર્ણયથી વધુ રાફડો ફાટવાની દહેશત

અત્યારે સાસણ અને ગીર ફરતેના ઇકો સેન્સિટિવ ઝોનમાં રહેણાંક- વાણિજિયક- ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો રાફડો ફાટેલો છે. 300 થી વધુ રહેણાંકો, હૉટેલો, રેસ્ટોરન્ટ્સ, ફાર્મ હાઉસિંસ, રિસોર્ટ, ખાણકામ એકમો સહિત અન્ય એકમો સહિત અન્ય એકમો ધમધમી રહ્યા છે. હવે રાજ્ય સરકારે એનઓસી નિયમનની સત્તા જંગલના અધિકારીઓને બદલે કલેક્ટર- ડીડીઓ-ડીએસપી જેવા રેવન્યૂ અધિકારીઓના હાથમાં સોંપી દેતા વધુ પ્રતિબંધિત એકમો શરૂ થવા ઉપરાંત જંગલ વિસ્તારમાં વન્ય પશુઓ-માણસો વચ્ચે હિંસક બનાવો વધવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે. અહીં એ પણ નોંધવું કે ગીર નેશનલ પાર્ક તેમજ ગીર-પાણિયા-મિતિયાળા અભયારણ્યો ફરતે કુલ આશરે 2,061ચોરસ કિલોમીટર યાને 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરતું ડ્રાફ્ટ નોટિફિકેશનને 6 મહિના વિત્યા હોવા છતાં હજી સુધી ફાઇનલ નોટિફિકેશન જારી કરાયું નથી.

  • Follow us on: