ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે વડોદરા રોડ પર આવેલ કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસેથી કારમાં લઈ જવાતો ઝડપી પાડેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર થતા બે ઇસમો સામે ફરીયાદ નોંધાવા પામી છે.


ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. પોલીસની વોચ દરમ્યાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકી હતી. જે બાદ મારુતિવાનમાં તપાસ કરતા અલગ અલગ થેલીઓમાં મૂકેલો રૂ.12,400 ની કિંમતનો 62 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસની વોચ દરમ્યાન ઉસ્માનગની મોહમ્મદ હનીફ હયાત નામનો ઈસમ મળી આવ્યો હતો.પકડાયેલા ઇસમની પૂછપરછ હાથ ધરતા તેણે જણાવ્યું હતું કે તેઓએ એક નશાની હાલતમાં રહેલા એક વ્યક્તિ પાસેથી રૂ.2200 માં એક વાછરડાની ખરીદી કરી હતી.જે બાદ ઈડ્રિશ કાસમી નામના ઈસમ સાથે મળીને ચિખોદરા તળાવ સામેની ખુલ્લી જગ્યામાં વાછરડાની કતલ કરીને તેના નાના-નાના ટુકડા કરીને થેલીઓમાં ભરીને કારમાં લઈને તેઓ આવતા હતા.

પોલીસે માંસનો જથ્થો, કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.67,640 નો મુદામાલ કબજે લીધો હતો. જ્યારે શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાની આશંકાએ પરીક્ષણ અર્થે મોકલ્યો હતો, જેમાં માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર થયું છે, જેને લઈને બંને ઇસમો સામે બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો.


  • Follow us on: