• અમદાવાદ હાજર સોનું રૂ. 1000 ઊછળી શુક્રવારે રૂ. 62,800 પર બોલાયું

  • કોમેક્સ ગોલ્ડ વાયદો 2000 ડોલરની સપાટી કુદાવી ગયો
  • જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડે 12 ટકાનું મજબૂત રિટર્ન દર્શાવ્યું

ઈઝરાયેલ-હમાસ જંગ પાછળ સોનામાં જોવા મળેલી તેજી અટકવાનું નામ નથી લેતી. શુક્રવારે મોડી સાંજે વૈશ્વિક બજારમાં ભારતીય બજારમાં સોનું રૂ. 62,800ની છેલ્લાં છ મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું અને અગાઉ માર્ચમાં તેણે દર્શાવેલી રૂ. 63500ની સર્વોચ્ચ સપાટીથી માત્ર રૂ. 700 છેટે રહી ગયું હતું. માર્કેટ નિરીક્ષકોના મતે જીઓ-પોલિટીકલ તંગદિલી વકરશે તો આગામી સપ્તાહે સોનું સ્થાનિક બજારમાં સર્વોચ્ચ ટોચ દર્શાવી શકે છે.

શુક્રવારની વૃદ્ધિ સાથે સ્થાનિક બજારમાં સોનું બે સપ્તાહમાં 10 ગ્રામે રૂ. 5000થી વધુનો સુધારો નોંધાવી ચૂક્યું છે. જે છેલ્લાં બે વર્ષમાં ગોલ્ડમાં જોવા મળેલી સૌથી તીવ્ર તેજી છે. અગાઉ રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆતમાં માર્ચ 2022માં ગોલ્ડમાં ભારે તેજી જોવા મળી હતી. માર્કેટ એનાલિસ્ટ્સના મતે એક એસેટ ક્લાસ તરીકે ગોલ્ડને હાલમાં ઊંચું પ્રિમીયમ મળી રહ્યું છે અને રોકાણકારો ગોલ્ડમાં એલોકેશન વધારી રહ્યાં છે. જેની પાછળ કેલેન્ડર 2023માં રિટર્નની બાબતમાં ગોલ્ડ માત્ર બે સપ્તાહમાં ફરી ટોચ પર આવી ગયું છે. અગાઉ, જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડે 12 ટકાનું મજબૂત રિટર્ન દર્શાવ્યું હતું. જોકે, બે સપ્તાહ અગાઉ તે નેગેટિવ ઝોનમાં સરી પડયું હતું. જ્યાંથી તીવ્ર બાઉન્સ દર્શાવી રહ્યું છે. વૈશ્વિક બજારમાં શુક્રવારે સ્પોટ ગોલ્ડ 22 ડોલર ઉછળી 1992 ડોલરની સપાટીએ ટ્રેડ થયું હતું. જ્યારે કોમેક્સ ગોલ્ડ વાયદો 2003 ડોલરની સપાટીએ ટ્રેડ થવા સાથે છ મહિના પછી 2000 ડોલર પર જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે ગોલ્ડમાં મજબૂતી પાછળ યુએસ ડોલર અને ટ્રેઝરી યિલ્ડ્સમાં ઘટાડોકારણભૂત હતો. સવારે યુએસ 10-યર યિલ્ડ્સ 5 ટકાની ટોચ પર પહોંચ્યાં હતાં. જોકે, સાંજે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર ઈન્ડેક્સ પણ 106ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જેની પાછળ ગોલ્ડ ઉછળી ગયું હતું. ભારતીય બજારમાં એમસીએક્સ ગોલ્ડ રૂ. 60900ની સપાટી ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે સિલ્વર વાયદો રૂ. 1500 ઉછળી રૂ. 73 હજારની સપાટી કુદાવી ગયો હતો.


  • Follow us on: