મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000ની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂપિયા 7000ની મહત્તમ મર્યાદામાં વર્ગ-4ના અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને બોનસનો લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.  


AMC પણ વર્ગ 4ના કર્મચારીઓને બોનસ સાથે પગાર ચૂકવશે

તમને જણાવી દઈએ કે અગાઉ 17 ઓક્ટોબરે પણ AMCના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા હતા. જેમાં દિવાળીના તહેવારને લઈને AMCએ મોટો નિર્ણય લીધો હતો અને આગામી 25 તારીખે પગાર અને પેન્શન ચૂકવી દેવામાં આવશે. આ સાથે જ વર્ગ 4ના કર્મચારીઓને બોનસ સાથે પગાર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે AMCમાં 23,500 પગારદાર અને 13,700 પેન્શનર છે. ત્યારે AMC પગાર, પેન્શન અને બોનસ પેટે 145 કરોડની રકમ ચૂકવશે. 

વડોદરા મનપાના કર્મચારીઓની દિવાળી પણ સુધરી

બીજી તરફ વડોદરા મનપાના કર્મચારીઓની દિવાળી પણ સુધરી છે. 25 ઓક્ટોબર સુધીમાં તમામ કર્મચારીઓના પગાર ચુકવવામાં આવશે. મનપાના અંદાજીત 8,000 કર્મચારીઓને આ લાભ મળશે. આ સાથે જ 15થી 16 હજાર પેન્શનર્સને પણ લાભ મળશે. રાજ્ય સરકારના નિર્ણય અગાઉ જ વડોદરા મનપા દ્વારા દિવાળી અગાઉ વેતન એડવાન્સમાં ચૂકવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળી બોનસના નિર્ણયને વર્ગ-4ના તમામ કર્મચારીઓએ વધાવી લીધો

સરકારના આ દિવાળી બોનસ આપવાના નિર્ણયને ગુજરાત સરકારના વર્ગ-4ના તમામ કર્મચારીઓએ વધાવી લીધો છે અને હાલમાં કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં પણ ખરીદીને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગૃહિણીઓ પણ ઘરની સજાવટ માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓની ખરીદી કરી રહી છે તો યુવાનો કપડા, બુટ, ચશ્મા, ઘડીયાળ સહિતની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. 

  • Follow us on: