સુરતમાં સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી છે,સુરતમાં હીરા મંદીને લઈ રત્નકલાકારો હવે પોતાના બાળકને ખાનગી શાળાની બદલે સરકારી શાળામાં ભણાવી રહ્યાં છે,રત્નકલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની છે,જેમાં સરકારી શાળામાં 500 સીટ પર 5000 વાલી એડમિશનની રાહમાં ઉભા છે.
સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો
સુરતના ઉતરાણ વિસ્તારની ચાર સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લાગી છે,એક તરફ હીરા બજારમાં મંદીનો માહોલ છે અને તેની વચ્ચે ફીમાં ફાયદો થાય અને શિક્ષણ સારું મળે તેને લઈ વાલીઓ બાળકોને સરકારી શાળામાં ભણાવવા માટે આકર્ષિત થયા છે,વિકટ સ્થિતિમાં રત્નકલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની છે.તો એડમિશન માટે આવેલા વાલીઓનું કહેવું છે કે,ખાનગી શાળાની ફી પોસાય તેવી સ્થિતિ નથી માટે સરકારી સ્કૂલમાં બાળકોને ભણાવવા માંગીએ છીએ.
વૈશ્વિક મંદીની હીરા ઉદ્યોગ પર માઠી અસર
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલી રહેલી મંદી વૈશ્વિક મંદીની હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે, જેમાં ગુજરાતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વૈશ્વિક મંદીના કારણે હીરાના કારખાનાઓ બંધ કરી દેતા લાખો રત્નકલાકારો રોજગારી વિહોણા બન્યા છે, અનેક રત્નકલાકારો આવી સ્થિતિમાં અન્ય જગ્યાએ કામે લાગી ગયા છે, તો સેંકડો એવા યુવાનો છે, કે જેમણે હીરા સિવાય અત્યાર સુધી કાઈ કામ ન કર્યું હોય એવા રત્નકલાકારો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે, આવા રત્નકલાકારોના પરિવાર પણ મોંઘવારીના સમયમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, લાખોની સંખ્યામાં રત્નકલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે, પરંતુ કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની ગઈ છે.









