• વડોદરા-હાલોલ નહીં જવું પડે, સમય- નાણાંની બચત થશે

  • 40,000 કર્મચારીઓ- કામદારો, સ્થાનિકોને લાભ મળશે
  • આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો

વડોદરા જિલ્લાના સાવલી ખાતે 100 પથારીની સુવિધા સાથેની અત્યાધુનિક ESIC હોસ્પિટલને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સાવલી જીઆઈડીસી વિસ્તારમાં 40 હજાર જેટલા કર્મચારીઓ-કામદારો છે તે સિવાય સ્થાનિક લોકોને પણ તેનો લાભ મળશે. લોકોને છેક વડોદરા કે હાલોલ નહીં જવુ પડે. જેથી તેમનો સમય અને ખર્ચ બચશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક બાદ અગત્યના મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી છે. આ હોસ્પિટલ મધ્ય ગુજરાતના રહેવાસીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સાવલી GIDC ક્ષેત્ર અને તેની આસપાસમાં 1500 ઉપરાંત ઔધોગિક એકમો આવેલા છે. ઇ.એસ.આઇ. યોજના હેઠળ આવરી લેવાયેલ કર્મચારીઓની સંખ્યા 40 હજાર જેટલી છે.

100 પથારીની આ આધુનિક હોસ્પિટલથી સાવલી તાલુકાની ઔધોગિક વસાહતોમાં વસતા શ્રામિકો ઉપરાંત કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓને તબીબી સેવાઓનો લાભ મળી રહેશે. તેઓને સ્થાનિક સ્તરે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં તબીબી સેવા ઉપલબ્ધ બનતા તેમના પરિવારજનોને સમય અને મુસાફ્રીના ખર્ચમાં રાહત મળશે.

રાજ્યના ઔધોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એન્જિનિયરિંગ વર્ક્સ, મેટલ અને કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ, સેનિટરી વેર, ફ્ૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, આયાત-નિકાસને લગતા કામકાજ વિગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફ્સિો છે. જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી પુરી પાડે છે. મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડોદરા જિલ્લામાં સોશ્યલ સિક્યુરિટી કોડ, 2020ના અમલીકરણ પછી કર્મચારીઓની વધતી સંખ્યાને ધ્યાને લઇ અને તેમની આરોગ્ય સુખાકારીની દરકાર રાજ્ય સરકારે કરી છે.

હાલમાં આ વિસ્તારના ESIમાં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રી, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે. હાલોલ ખાતે હોસ્પિટલથી ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવા-જવા મુસાફ્રી ખર્ચમાં રાહત મળશે.


  • Follow us on: