સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસે નવી પહેલ કરી છે. રાજ્યના નાગરિકોની રજૂઆતનું X પ્લેટફોર્મ ઉપરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવા ગુજરાત પોલીસની સમયને અનુરૂપ પહેલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે સાંભળી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવો આ પહેલનો મુખ્ય હેતુ છે.


ફરિયાદોનું 24 કલાક રિયલ ટાઈમ મોનિટરિંગ

1 માર્ચ 2025થી શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં 335 ફરિયાદો મળી હતી. જેમાંથી 310 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ 24/7 રિયલ ટાઈમમાં ટ્રેસ કરે છે અને તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ હાજર કાર્યરત ટીમને મોકલે છે. ગુજરાત પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ @GujaratPolice ઉપર નાગરિકો ટેગ કરીને પોતાની ફરિયાદ કરી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ GP-SMASH એટલે કે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ આરંભ કરાવ્યો છે. આ પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. ત્રણ મહિનામાં મળેલી 335 રજૂઆત અને પ્રશ્નોને સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે.

GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે ?

GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે. જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ ૨24/7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે. ત્યાર બાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે. રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે.

  • Follow us on: