• વરસતા વરસાદે 80 હજાર ભાવિકો બહાર નીકળવા માટે ધસી પડયા

  • જંગલમાં મુશળધાર વરસાદથી ઉતારા અને અન્નક્ષેત્રના સમિયાણા પલળી ગયા
  • માવઠાની આગાહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ આગોતરી તૈયારી કરી ન હતી

ગિરનારની લીલી પરિક્રમાના છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદ ખાબકતા એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ થયેલ છે, આજે સવારે 4 વાગ્યાના અરસામાં અચાનક ગાજવીજ સાથે ગીરનાર જંગલમાં મેઘરાજાએ પધરામણી કરતા જંગલના રૂટ ઉપર રહેલા આશરે 80 હજારથી વધુ ભાવિકોમાં બહાર નિકળવામાં દોડધામ મચી ગયેલ હતી, તો ખોડીયાર ઘોડીથી બોરદેવી સુધીના ઉતારા-અન્નક્ષેત્રના સમિયાણા પલળી ગયા હતા. હજુ 50 હજાર ભાવિકો રૂટ ઉપર છે.

ગિરનારની ગોદમાં પરિક્રમામાં લાખો ભાવિકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, આ વર્ષે રેકોર્ડ બ્રેક 13.34 લાખ ભાવિકો ઉમટી પડયા હતા, જેમાંથી સાંજ સુધીમાં 12.84 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરીને વતન ભણી રવાના થયેલા છે, ગત રાતે 8 વાગ્યે પરિક્રમાના રૂટ ઉપર નળપાણીની ઘોડીથી બોરદેવીના ગેઇટ સુધીમાં આશરે 80 હજારથી વધુ ભાવિકો રૂટ ઉપર હતા, ત્યારે 4 વાગ્યે અચાનક માવઠું વરસતા જંગલમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અચાનક આવી પડેલા વરસાદથી ભાવિકો જેમ બને તેમ વહેલી તકે બહાર નીકળી ઘર તરફ્ પ્રયાણ કરવા ઘસારો કર્યો હતો. જેને લઈને અંદર રહેલા ભાવિકોને તકલીફ્ ના પડે તેને લઈને ઉતારા મંડળના ભાવેશ વેકરીયા, રેંજ ફેરેસ્ટ ઓફ્સિર ભાલીયા, ડીવાયએસપી હિતેષ ધાંધલીયા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા, રૂટ ઉપર ફ્રજમાં રહેલા ફેરેસ્ટ સ્ટાફ્ અને પોલીસ સ્ટાફ્ દ્વારા ભાવિકોને વરસતા વરસાદે બહાર નીકળવામાં મદદ કરી હતી. આજે સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 13.34 લાખ ભાવિકો પૈકી 12.84 લાખ ભાવિકો બોરદેવી વટાવીને પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળી ગયા હતા. જયારે અન્ય 50 હજાર જેટલા ભાવિકો રૂટ ઉપર છે. બહાર નીકળેલા ભાવિકો ઝડપી ઘરે પહોંચવા માટે જે વાહન મળે તેમાં બેસીને વતન તરફ્ વાટ પકડી હતી, જેને લઈને પરિક્રમા એક દિવસ વહેલી પૂર્ણ થયેલ અને ભવનાથના માર્ગો અને તળેટી ખાલી જોવા મળી રહી હતી, અચાનક વરસાદથી ખોડીયાર ઘોડીથી નળ પાણીની ઘોડી, બોરદેવી સુધીમાં રહેલા 40 જેટલા ઉતારા-અન્નક્ષેત્રના સમિયાણા પલળી ગયા હતા, જે આજે સવારથી તમામ અન્નક્ષેત્ર આટોપી લઈને આવતીકાલ સધીમાં બહાર નીકળી જશે, જયારે આગળ જીણા બાવાની મઢીથી માળવેલા સુધીના 40 જેટલા અન્નક્ષેત્ર ગઈકાલે જ પોતાના સામાન સાથે બહાર નીકળી ગયા હતા.

માવઠાંની આગાહી હોવા છતાં આગોતરી તૈયારીના નામે મીંડું

ગિરનારી મહારાજની કૃપાથી આજે હેમખેમ પરિક્રમા પૂર્ણ થયેલ છે, સવારે 4 વાગ્યે અચાનક વરસાદ ખાબકતા હજારો ભાવિકો નળ પાણીની ઘોડીએથી બોરદેવીના ગેઇટ સુધી હેરાન થતા આવ્યા હતા, માવઠાની આગાહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ આગોતરી તૈયારી કરી ન હતી, કે આજે સવારે એકપણ કહેવાતા નેતાઓ ડોકાયા ન હતા.

પરિક્રમા દરમિયાન પાંચ ભાવિકોનાં મોત થયાં

જૂનાગઢ : પરિક્રમા દરમિયાન ગઈકાલ સુધીમાં કુલ પાંચ ભાવિકોના મોત થયાનું તંત્રના ચોપડે નોધાયું છે. જેમાં અગાઉ પ્રથમ દિવસે નળ પાણીની ઘોડીએ એક અજાણ્યા 55 વર્ષના પુરુષનું હાર્ટ એટેકથી મોત થયેલ, ત્યાર બાદ તા.24 ના રોજ બોરદેવી પાસે મુકતાબેન અર્જુનભાઈ વાઘેલા ઉ.38 (સિક્કા, જામનગર) નું બેભાન થઈને ઢળી પડતા, માળવેલા ઘોડી પાસે મહેન્દ્ર જીવનભાઈ સરવૈયા ઉ.56 (રાજકોટ) નું ચાલીને જતા ઠેંસ વાગી અને માથામાં અણીદાર પત્થર વાગતા મોત થયું, જયારે ભવનાથ તળેટીમાં મારખી હમીર ગોઝીયા ઉ.54 (દેવળિયા, દ્વારકા) નું તબિયત લથડતા અને તા.25 ના રોજ મહારાષ્ટ્રના ઉધવ કાશીનાથ દેશમુખ ઉ.65 નું સનાતન ધર્મશાળામાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.


  • Follow us on: