- ક્રાઈસ્ટ હોસ્પિટલ ફરી વિવાદોમાં
- અગાઉ પણ એક પ્રસૂતાનો લેવાયો છે ભોગ
- હોસ્પિટલ સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને અરજી
રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલની વધુ એક વખત મોટી બેદરકારી સામે આવી છે. થોડા દિવસો પહેલા ક્રાઇસ્ટ હૉસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે ડિલિવરી કરવા આવેલી એક મહિલાનો જીવ ગયો હતો તો હાલમાં ક્રાઇસ્ટ હૉસ્પિટલની અક્ષમ્ય બેદરકારીને કારણે ડિલિવરી કરવા આવેલી એક મહિલાનો જીવ જોખમમાં મૂકાયો હતો. જેના લીધે આ મામલે એક ફરિયાદ નોંધવા માટેની અરજી શહેર પોલીસ કમિશનરને કરવામાં આવી છે.
રાજકોટના મોરબી રોડ પર રહેતા ઉર્વીશાબેન ભગીરથભાઈ કમાણીએ ક્રાઇસ્ટ હૉસ્પિટલમાં થયેલા કડવા અનુભવ સંદર્ભે તમામ આધાર પુરાવા સાથે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને અરજી કરી છે. જેમાં તેમણે ક્રાઈસ્ટ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર સહિત ડો. અનવર સિપાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. બનાવની વિગત અનુસાર કરિયાદી ઉર્વીશાબેન ભગીરથભાઇ કમાણી ગત તા. 18 ઓક્ટોબરના રોજ ક્રાઇસ્ટ સ્પિટલમાં ડિલિવરી કરાવવા માટે ગયા હતા. પરંતુ ડૉ. અનવર સિપાઇએ તેમને હજુ ડિલિવરીમાં આઠથી દસ દિવસની વાર હોય તેવું જણાવી રવાના કરી દીધા હતા. જો કે તે જ દિવસે ઉર્વીશાબેન કમાણીને દુઃખાવો ઉપડતા તેઓ ફરી ક્રાઇસ્ટ હૉસ્પિટલ ગયા હતા જ્યાં ડો. અનવર સિપાઈએ તેમને દાખલ થવા જણાવ્યું હતું. ક્રાઇસ્ટ સ્પિટલમાં ઉર્વીશાબેન કમાણીની ડિલિવરી નોર્મલ રહી નહોતી અને તેમનું સીઝરીયન કરવું પડ્યું હતું.
આ ટ્રીટમેન્ટમાં ક્રાઇસ્ટ હૉસ્પિટલ અને ડો. અનવર સિપાઇની ગંભીર બેદરકારીને કારણે ઉર્વીશાબેન કમાણીનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. તેમને બ્લડિંગ શરૂ થઇ ગયું હતું, લીવર, કિડની કામ કરવાના બંધ થઈ ચૂક્યા હતા. ક્રાઈસ્ટ હૉસ્પિટલે પોતાની ભૂલ ઢાંકવા ઉર્વીશાબેન કમાણીને સિવિલ હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને કેસ બગડતા હાથ ઊંચા કરી દીધા હતા. નસીબજોગે ઉર્વીશાબેન કમાણી સિવિલ હૉસ્પિટલ અને ત્યારબાદ અન્ય એક ખાનગી હૉસ્પિટલમાં 10 દિવસથી વધુની સારવાર મેળવી બચી ગયા હતા પરંતુ ક્રાઈસ્ટ હૉસ્પિટલની બેદરકારીને કારણે તેમને 3.44 લાખ જેટલો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો હતો. તેથી ઉર્વીશાબેન કમાણી અને તેમના પરિવારે ભોગવેલા શારીરિક, માનસિક, આર્થિક નુકસાન બદલ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી ક્રાઈસ્ટ સ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર સહિત ડો. અનવર સિપાઇ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
આ મામલે એવી માગણી કરવામાં આવી છે કે આ હૉસ્પિટલનું લાયસન્સ કેન્સલ કરી ડૉ. અનવર સિપાઇને કડક સજા કરવાની માગણી અરજીમાં કરવામાં આવી છે. આ પ્રથમ વખત નથી જ્યારે ક્રાઇસ્ટ હોસ્પિટલ વિરુદ્ધ આ પ્રકારની કરિયાદ પ્રકાશમાં આવી હોય. અવારનવાર ક્રાઈસ્ટ હૅસ્પિટલ અને તેમના ડોક્ટરોની બેદરકારીના કારણે કેટલાય દર્દીનો ભોગ લેવાઈ રહ્યો છે. ઘણાય દર્દીઓને શારીરિક, માનસિક, આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે. ઉપરાંત એક મોટી વાત એ છે કે આયુષમાન કાર્ડ ધરાવતા વ્યકિતની સારવાર તદ્દન મફતમાં થતી હોવા છતાં ક્રાઇસ્ટ હોસ્પિટલે દર્દી ઉર્વીશાબેન કમાણી અને તેમના પરિવાર પાસેથી સારવાર માટે એક્સ્ટ્રા ચાર્જ વસૂલ્યો હતો. જેના અંગે પણ તપાસ થવી જરૂરી છે.