- સુરતના ઉદ્યોગકારો મોટાભાગે સુરત અને મુંબઇના પોર્ટથી કરાતું એક્સપોર્ટ
- સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી આપવામાં આવેલી રાહત સમાપ્ત થતાં ભારણ
- સરકારે આ દિશામાં પુનઃ વિચાર ઑકરવો જોઇએ
કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટ થતી વસ્તુના ટ્રાન્સપોર્ટેશન પર ટેક્સ નહીં લેવાની છૂટ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થતા હવે 1 ઓક્ટોબરથી એક્સપોર્ટર્સ જે વસ્તુઓ નિકાસ કરવા માંગે છે તેના ટ્રાન્સપોર્ટેશન પરના બિલ પર 5થી 18 ટકા લેખે જીએસટી ચુકવવો પડશે. સુરતથી મોટાપાયે કાપડ અને હીરા એક્સપોર્ટ થાય છે. સરકારના નવા નિયમથી ઉદ્યોગકારોમાં કચવાટ છે. ઉદ્યોગકારોનું કહેવુ છે કે એક્સપોર્ટ થતી વસ્તુઓ પર જીએસટીનું ભારણ યોગ્ય નથી.
સુરત પોલિયેસ્ટર કાપડ અને હીરા માટે દુનિયાભરમાં જાણીતુ છે. અહીથી દુનિયાના અનેક દેશોમાં કાપડ અને હીરાની નિકાસ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટરને પ્રોત્સાહન આપવા માટે અને અન્ય દેશોની વસ્તુઓની સરખામણીમાં ભારતથી નિકાસ થતી વસ્તુઓની કીમત ઓછી રહે તે માટે નિકાસ થતી વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન પર ટેક્સ ન હતો. જોકે આ સ્કીમની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર હતી. આ યોજના હવે સમાપ્ત થઇ ગયા બાદ પણ નવી યોજના જાહેર નહી કરાતા 1 ઓક્ટોબરથી એક્સપોર્ટ થતી વસ્તુના ટ્રાન્સપોર્ટેશન પર 5થી 18 ટકા ટેક્સ લાગૂ પડશે. ઉદ્યોગકારોનું કહેવુ છે કે એક તરફ સરકાર એક્સપોર્ટ વધારવી તરફેણ કરે છે અને બીજી બાજુ ટેક્સ વસૂલવાની વાત કરે છે. આ રીતે ઉદ્યોગકારોની મૂડી ટેક્સ તરીકે જામ થશે. સુરતથી મોટા પાયે હીરા અને કાપડ એક્સપોર્ટ કરવામા આવે છે. ઉદ્યોગકારો મોટાપાયે સુરત અને મુંબઇથી એક્સપોર્ટ કરે છે હવે તેઓને પોર્ટ અથવા એરપોર્ટ સુધી માલ મોકલવા માટે જે ખર્ચ થશે તેના પર 5થી 18 ટકા વચ્ચે જે લાગૂ પડે તેટલો ટેક્સ ચુકવવો પડશે. સિન્થેટિક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ ચેરમેન નારાયણ અગ્રણવાલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક્સપોર્ટ વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાછે જ્યારે 1 ઓક્ટોબરથી એક્સપોર્ટ થતી વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન પર જીએસટી લાગૂ પડી ગયો છે. સરકારે આ દિશામાં પુનઃ વિચાર ઑકરવો જોઇએ.










