- વેપારી એકતરફી કાર્યવાહીને ટ્રિબ્યૂનલમાં પડકારી શકશે
- જીએસટી લાગુ થયા બાદ ટ્રિબ્યૂનલ શરૂ કરવાની માંગણી સતત કરવામાં આવતી
- ઓફિસ અને સ્ટાફ માટે નાણાં ભંડોળ હાલમાં નહીં હોવાનું કારણ રજૂ
જીએસટી કાઉન્સિલ સુરત, અમદાવાદ અને રાજકોટમાં જીએસટી ટ્રિબ્યૂનલ શરૂ કરવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ સુરતમાં ટ્રિબ્યૂનલ શરૂ થવાની શક્યતા ધૂંધળી હોવાની ચર્ચા જીએસટી અધિકારીઓમાં જ થઇ રહી છે. તે માટેનું કારણ એવું પણ આપી રહ્યા છે કે જીએસટી દ્વારા ગ્રાંટ નહીં હોવાનું કારણ આગળ ધરીને ટ્રિબ્યૂનલ જ શરૂ નહીં કરે. જેથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપારીઓએ વધુ એક વખત પરેશાની વેઠવાની નોબત સર્જાવાની શક્યતા રહેલી છે.
જીએસટી લાગુ થયા બાદ ટ્રિબ્યૂનલ શરૂ કરવાની માંગણી સતત કરવામાં આવતી હતી, કારણ કે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી એક તરફી કાર્યવાહીની સામે વેપારીએ ટ્રિબ્યૂનલ નહીં હોવાના કારણે હાઇકોર્ટમાં જવું પડતું હોય છે. પરંતુ તેના માટે વેપારીઓએ વધુ ખર્ચ કરવાની સ્થિતિ ઊભી થતી હોવાથી અનેક કિસ્સામાં વેપારી નાણાં ભરપાઇ કરી દેતા હોય છે, કારણ કે નાણાં ભરપાઇ કરવામાં નહીં આવે તો અધિકારીઓ દ્વારા જીએસટી નંબર બ્લોક કરવાની સાથે બેંક એકાઉન્ટ પણ સીઝ કરી દેતા હોય છે. તેના બદલે જો જીએસટી ટ્રિબ્યૂનલ કાર્યરત હોય તો વેપારીઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી એકતરફી કાર્યવાહીમાં ટ્રિબ્યૂનલમાં જઇને કાર્યવાહી કરી શકતો હોય છે. આ માટે જ જીએસટી ટ્રિબ્યૂનલ શરૂ કરવાની જાહેરાત તો કરવામાં આવી છે. પરંતુ તેમાં સુરતમાં ટ્રિબ્યૂનલ શરૂ નહીં થાય તે માટેની ચર્ચા જીએસટી અધિકારીઓમાં જ થઇ રહી હોવાની વિગતો જાણવા મળી છે. આ માટે વિભાગ દ્વારા ગ્રાંટ એટલે કે ઓફિસ અને સ્ટાફ માટે નાણાં ભંડોળ હાલમાં નહીં હોવાનું કારણ રજૂ કરીને ટ્રિબ્યૂનલ શરૂ નહીં કરવાનું કહેવાય છે.










