ગુજરાતમાં દિવસેને દિવસે ગરમી વધતી જાય છે ત્યારે ગરમીની વિપરીત અસરથી બચવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે,વિકાસ કમિશનરે માર્ગદર્શિકા જાહેર કરી તમામ ડીડીઓને મોકલી આપી છે,આ માર્ગદર્શિકામાં સનસ્ટ્રોકથી બચવા સહિતના ઉપાયો દર્શાવાયા છે,ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું અને ગરમીથી બચવા સફેદ,સુતરાઉ કપડા પહેરવા માટે અપીલ કરવામાં આવી છે.


સગર્ભા માતાઓએ તડકામાં ન ફરવું

ગરમીને લઈ વાત કરીએ તો નાના બાળકો અને સગર્ભા માતાઓએ તડકામાં ન ફરવું જોઈએ તેમજ વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી સાથે સાથે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ તો શક્ય હોય તો લીંબુનો શરબત બનાવીને પીવો જોઈએ,અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું તેમજ ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું જોઈએ.

હીટવેવથી બચવા આટલું કરો

* તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું

* શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો

* ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો

* વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો

* આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્કીન લગાવો

* પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો

* બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો

હીટવેવથી બચવા આટલું ના કરો

* શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું

* શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા

* મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો

લૂ લાગેલ પ્રથમ સારવાર લેવી

* જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો

* શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો

* લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા

* જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી.

  • Follow us on: