ગુજરાતમાં ખાનગી સ્કૂલોની મોંઘીદાટ ફી સહિતના ખર્ચાથી કંટાળેલા વાલીઓ હવે તેમના બાળકોને સરકારી સ્કૂલોમાં પ્રવેશ અપાવી રહ્યાં છે. સરકારી સ્કૂલોમાં થોડા સમયથી વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપી છે. રાજ્યની આઠ મહાનગર પાલિકામાં ધોરણ 9 અને 11ને અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.
8 મનપામાં અંગ્રેજી માધ્યમ સ્કૂલ શરૂ કરવા મંજૂરી
રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં શિક્ષણ વિભાગે ધોરણ 9 અને 11ને અંગ્રેજી માધ્યમ માટે મંજૂરી આપી છે. સરકાર દ્વારા અંગ્રેજી માઘ્યમના ધોરણ 9 અને 11ના વર્ગો ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરશે. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વર્ગો પણ શરૂ થશે.હાલ 60 વિદ્યાર્થીઓની સંખ્યા ભરવાની મંજૂરી સાથે શાળા ચાલુ થશે. સરકારી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ થતાં હજી વધુ બાળકો પ્રવેશ મેળવે તેવી શક્યતાઓમાં વધારો થયો છે.
ગાંધીનગરમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થશે
ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ડો. બી.એન. પ્રજાપતિએ કહ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરુ કરાશે. ગાંધીનગર શહેરમાં પણ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થશે ગાંધીનગરમાં સેક્ટર 13માં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થશે. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ શરૂ કરવા નિર્ણય કરાયો છે. શાળામાં ક્રમશ: અન્ય વર્ગો પણ ચાલુ કરવામાં આવશે.









