રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
કુલ 4115 અરજીઓને મંજૂરી
મંત્રી રાજપૂતે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં બિનખેતી-NA માટે કુલ ૯,૬૩૨ અરજીઓ આવી હતી જે પૈકી ગાંધીનગર તાલુકાની ૨,૩૩૪, દહેગામ તાલુકાની ૩૪૪, કલોલની ૧,૧૫૯ તેમજ માણસા તાલુકામાં ૨૭૮ એમ કુલ ૪,૧૧૫ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ સિવાયની અરજીઓ પૂરતા પ્રમાણમાં જરૂરી પુરાવા-કાગળો ન હોવાથી દફતરે કરવામાં આવી છે તેમ, મંત્રી રાજપૂતે ઉમેર્યું હતું.
૯૯.૮૯ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમ અંગેની વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં હાલ સેવાસેતુનો ૧૦મો તબક્કો ચાલી રહ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીના ૧૦ તબક્કામાં રાજ્યના આશરે ૩.૦૭ કરોડથી વધારે નાગરિકોએ તત્કાલ સ્થળ ઉપર સેવાનો લાભ મેળવ્યો છે.આ અંગે વિગતવાર માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર નિરાકરણ થઈ શકે તે માટે વર્ષ ૨૦૧૬થી ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. અત્યાર સુધીના દસ તબક્કામાં કુલ ૩,૦૭,૬૩,૯૫૩ અરજીઓ મળી છે. જે પૈકી કુલ ૩,૦૭,૩૦,૬૫૯ એટલે કે ૯૯.૮૯ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની વિવિધ સેવાઓનો સમાવેશ
સેવાસેતુ હેઠળ આપવામાં આવતી સેવાઓ અંગે મંત્રીએ જણાવ્યું કે હાલ આ કાર્યક્રમમાં વિવિધ ૫૫ જેટલી સેવાઓને આવરી લેવામાં આવી છે. જેમાં આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના, વૃદ્ધ નિરાધાર સહાય યોજના, લર્નિંગ લાયસન્સ, સાતબાર/આઠ-અનાં પ્રમાણપત્રો, બસ કન્સેસન પાસ, નવું બૅંક એકાઉન્ટ ખોલાવવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પશુઓની ગાયનેકોલોજિકલ સારવાર, પી.એમ.જે.એ.વાયમાં અરજી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે.
જુનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૨૭ જેટલા કાર્યક્રમ યોજવામાં આવ્યા
જુનાગઢ જિલ્લામાં તા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં સેવાસેતુના ૧૦મા તબક્કામાં યોજાયેલા કાર્યક્રમોની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૪ દરમિયાન જુનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૨૭ જેટલા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જે અંતર્ગત મળેલી તમામ ૭૩,૪૫૪ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.









