ગુજરાત વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે પાક નુકસાન સામે ચૂકવેલી આર્થિક સહાય અંગે માહિતી શેર કરી હતી. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે ખેડૂતોને પાક નુકશાન સામે આર્થિક ટેકો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઈનપુટ સહાય ઉપરાંત આપત્તિની તિવ્રતાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ઉદાર અભિગમ દાખવી રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય પણ આપવામાં આવે છે.

99.43 લાખ ખેડૂતોને ચૂકવાઇ સહાય
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખેડૂતોને થયેલા પાક નુકશાન સામે ઉદાર અભિગમ દાખવી રાજ્યના 99.43 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.12,389 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.


જૂનાગઢ અને પોરબંદરમાં કેટલી ચૂકવી સહાય ?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખરીફ-2024 સિઝનમાં થયેલા ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં તથા જુનાગઢ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી, ઘાસચારો અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું. જેનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાના 18,023 તેમજ પોરબંદર જિલ્લાના 50,206 ખેડૂતોને મળી 68,229 ખેડૂતોને કુલ રૂ. 100 કરોડથી વધુ પાક નુકશાન સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી છે.
  • Follow us on: