ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણી માટે આગામી 19 જૂને મતદાન અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયાની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે. આ બેઠક પર કોંગ્રેસ અને AAPનું ગઠબંધન નહીં થતાં હવે ત્રિપાંખિયો જંગ છેડાયો છે. ત્યારે વિસાવદર અને કડી બેઠકની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે.


[[$googlead]]

પૂર્વ સાંસદ મોહન કૂંડારિયાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ

વિસાવદર બેઠક માટે પૂર્વ સાંસદ મોહન કૂંડારિયાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી પણ હાજર છે. આ બેઠકમાં શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવશે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયાએ પણ ટીકિટની માગ કરી છે. ભાજપે વિસાવદર માટે કમલેશ મીરાની અને જયેશ રાદડિયાની પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા બાદ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

[[$alsoread]]

મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે કડીની સેન્સ પ્રક્રિયા ચાલુ

આ ઉપરાંત કડીની પેટા ચૂંટણી માટે પણ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદ પરમાર, કોર્પોરેટર અશોક પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય રામભાઈ પરમાર, લ્હોર ગામના સરપંચ સુરેશ પરમાર તેમજ જોટાણાના રમેશ સૌલંકીના નામમાંથી કોઇ એકના નામ પસંદ થઈ શકે છે. કડી વિધાનસભામાં 376 નવા મતદારો વધ્યા છે. જેમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારો છે. કડી બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,89,746 છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કડીમાં ભાજપને જીતાડવા માટે સક્રિય થઈ ગયાં છે.

આવતીકાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે

બીજી તરફ આવતીકાલે સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં વિસાવદર અને કડી પેટાચૂંટણીના ઉમેદવારના નામ પર મંથન થશે. 3 નામની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. ત્યારબાદ બંને બેઠકો પર ફાઈનલ ઉમેદવારના નામોની પસંદગી કરવામાં આવશે.


  • Follow us on: