વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતની સમગ્ર જનતા વતી હું અભિનંદન પાઠવું છું.
વડાપ્રધાન વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત ૨૦૪૭ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે.
ગુજરાતને સુશાસનના પ્રથમ ક્રમ
ગુજરાતને સુશાસન સૂચકાંકમાં દેશભરમાં મળેલ “પ્રથમ ક્રમ” - નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસની અમારી સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે. નીતિ આયોગના વર્ષ ૨૦૨૫ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને "Achievers" દરજ્જો મળેલ છે.
ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખેલ છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવકમાં અને રોજગારી આપવામાં અગ્રેસર છે.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર ૬% અને કુલ વસ્તીના માત્ર ૫% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસો થકી આ યોગદાન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના ૪૧% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજીસ્ટીક્સ ઇઝ એક્રોસ ડીફરન્ટ સ્ટેટ્સ (LEADS) સૂચકાંકમાં "Achievers" દરજ્જો મેળવેલ છે.
બે દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મોખરે છે.
'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝન મજબૂત બનશે
ગુજરાતની નીતિઓ 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝનને મજબૂત બનાવે છે. આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદનનું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમની સ્થાપના થઈ રહી છે. ભારતના વડાપ્રધાનશ્રી અને સ્પેનના વડાપ્રધાનની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે.
વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન પ્રેરીત GYAN - ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે.
વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન
ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું.
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે. પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે ૨૧% ના વધારા સાથેની અંદાજીત ₹૮૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-૨૦૨૪થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ૩૨,૨૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹૬૧૭ કરોડની જોગવાઇ સૂચવું છું.
“સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹૫૫૧ કરોડની જોગવાઇ
પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા ૭૨ તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹૫૫૧ કરોડની જોગવાઇ સૂચવું છું. બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹૨૭૪ કરોડની જોગવાઇ સૂચવું છું.
આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના ૧૫૦મા વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ૩૭.૫% ના વધારા સાથે ₹૧૧૦૦ કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે. શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ ૨૯૦ કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
માનનીય પ્રધાનમંત્રીની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા “સંત સુરદાસ યોજના” હેઠળ ૮૦% ને બદલે હવેથી ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૮૫ હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક ₹૧૨ હજારની સહાય આપવાની જાહેરાત કરું છું.










