ગુજરાત રાજ્યના આ બજેટમાં માનવીય વિકાસને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો માટે પોષણ અને આરોગ્યની સુવિધાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્યમાં 121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, બાંધકામ સ્થળે જ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરીને વધુ 50 નવા રથ શરૂ કરાશે. આ બંને યોજનાઓ માટે કુલ ₹260 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


રોજગાર અને સુખાકારી વધારવા

ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર અને સુખાકારી વધારવા માટે VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન) હેઠળ કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવ્યા છે. આ પગલાંથી ગ્રામ્ય પરિવારની આવકમાં વધારો થશે અને તેના માટે ₹1500 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની વસ્તીમાં 36 ટકા

ગુજરાતની વસ્તીમાં 36 ટકા કરતા વધુ યુવાનો છે. આ યુવા શક્તિને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને ₹5967 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ખાસ કરીને અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં આવક મર્યાદા ₹2.5 લાખથી વધારી ₹6 લાખ કરવામાં આવી છે, જેથી વધુ કુમાર વિદ્યાર્થીઓ લાભ લઈ શકે.

આર્થિક રીતે પછાત વર્ગ

આદિજાતિ, અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળા અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોમાં રહેતા 2.77 લાખથી વધુ વિદ્યાર્થીઓની માસિક સહાય ₹2500 કરવામાં આવી છે. સાથે જ, શિક્ષણની ગુણવત્તા વધારવા માટે 926 નવી પી.એમ. શ્રી શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

બાલવાટિકાથી ધોરણ-10 સુધીની સંકલિત

“એક કેમ્પસ – અવિરત શિક્ષણ – મજબૂત ભવિષ્ય”ના વિચાર સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધીની સંકલિત શાળાઓ બનાવાશે, જેના માટે ₹120 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવા ₹100 કરોડનું આયોજન છે. સાથે જ, આદિજાતિ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી પણ સ્થાપવામાં આવશે.

વિજ્ઞાન પ્રવાહમાં રસ વધારતી

વિજ્ઞાન પ્રવાહમાં રસ વધારતી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે ₹250 કરોડ ફાળવાયા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરિવહન અને એસ્કોર્ટ એલાઉન્સ જેવી સુવિધાઓ પણ વધારવામાં આવી છે. યુવાનોને રોજગારલક્ષી બનાવવા નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે ₹૨૨૬ કરોડ અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ તાલીમાર્થીઓને માસિક સહાય માટે ₹80 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સંશોધન અને ઉદ્યોગસાહસિકતા માટે IITના મોડલ પર L.D. Engineering College, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા ₹51 કરોડ ફાળવવામાં આવ્યા છે. કુલ મળીને, આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ તરફનું મજબૂત પગલું સાબિત થાય છે.

 આ પણ વાંચો : Gujarat Budget 2026 : વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું


  • Follow us on: