આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં જગતના તાત ગણાતા અન્નદાતાઓની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારે અનેક મહત્વની જોગવાઈઓ કરી છે. કુદરતી આફતોમાં ખેડૂતોની પડખે ઊભા રહેવાની પરંપરાને જાળવી રાખીને, રાજ્યમાં પૂર અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ₹11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી 33 લાખથી વધુ ખેડૂતોને સીધી સહાય પહોંચાડવામાં આવી છે.


વાવણીથી વેચાણ સુધી સરકારનો સાથ

સરકારે ખેડૂતોને બજારના ભાવમાં થતા ઉતાર-ચઢાવથી બચાવવા માટે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા તેજ કરી છે. મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસ જેવા પાકો માટે રૂપિયા 18,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરી 9.50 લાખ ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડ્યું છે.

કૃષિ યાંત્રિકીકરણ અને પ્રાકૃતિક ખેતી

ખેતી ખર્ચ ઘટાડવા અને આધુનિકતા લાવવા માટે ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને સીડડ્રીલ જેવા સાધનોની ખરીદીમાં સહાય આપવા માટે રૂપિયા 1,565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં:

  • પ્રાકૃતિક ખેતી: પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સેન્ટર ઓફ એક્સલન્સ અને માર્કેટિંગ સહાય માટે રૂપિયા 39 કરોડ.
  • નવા કેન્દ્રો: ડાંગર, કઠોળ અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 નવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા રૂપિયા 12 કરોડ ફાળવાયા છે.

જળ સંચય અને સિંચાઈ યોજનાઓ

સુકા પ્રદેશોને હરિયાળા બનાવવા માટે સરકારે સિંચાઈ ક્ષેત્રે મોટું રોકાણ કર્યું છે:

  • સુજલામ સુફલામ યોજના: રૂપિયા 1,237 કરોડ.
  • સૌની યોજના: રૂપિયા 473 કરોડ.
  • કચ્છની સિંચાઈ યોજના: રૂપિયા 1,333 કરોડ.
  • નળકાંઠા વિસ્તાર: છેવાડાના ગામોમાં પાણી પહોંચાડવા બીજા તબક્કા માટે રૂપિયા 958 કરોડ.

પશુપાલન અને ગૌસેવા

પશુપાલકો અને સાગરખેડૂતો માટે પણ સરકારે તિજોરી ખોલી છે:

  • મત્સ્ય ઉદ્યોગ: નિકાસ અને માળખાકીય સુવિધા માટે રૂપિયા 1,340 કરોડ.
  • ગૌ માતા પોષણ યોજના: ગૌવંશ સંરક્ષણ અને ગૌશાળાઓની સહાય માટે રૂપિયા 500 કરોડ.
  • વ્યાજ સહાય: કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત સમયસર લોન ભરતા ખેડૂતો/પશુપાલકો માટે રૂપિયા 1,539 કરોડની જોગવાઈ.


આ પણ વાંચો -  Gujarat Budget 2026 : વિધાનસભામાં નાણાં મંત્રીની બજેટ સ્પીચ શરુ


  • Follow us on: