ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27 માટે રૂપિયા 4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષ કરતા રૂપિયા 37,803 કરોડના વધારા સાથે રજૂ થયેલા આ બજેટ પર રાજ્યના વિવિધ વર્ગો, ઉદ્યોગપતિઓ અને વિપક્ષી નેતાઓ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.


શાસક પક્ષ અને ઉદ્યોગ જગતનો સકારાત્મક મત

નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતની નાણાકીય સ્થિતિ દેશમાં શ્રેષ્ઠ છે અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં 40 ટકાનો વધારો કરાયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને વડોદરાના VCCI એ આ બજેટને ઉદ્યોગલક્ષી ગણાવી આવકાર્યું છે. ખાસ કરીને નિકાસ નીતિ અને MSME ક્ષેત્ર પરના ભારને કારણે ઉદ્યોગપતિઓમાં ખુશી જોવા મળી રહી છે. વડોદરાના ઉદ્યોગપતિઓએ બજેટને 10 માંથી 8 માર્ક આપ્યા છે.

વિપક્ષના આકરા પ્રહાર

બીજી તરફ, વિપક્ષી નેતાઓએ બજેટને 'ચૂંટણીલક્ષી' ગણાવ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે, ખેડૂત વીજ સહાય અને સરદાર સરોવર યોજનાના બજેટમાં ઘટાડો કરાયો છે. જ્યારે AAP નેતા ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ આદિવાસી વિસ્તારોમાં કુપોષણ, શિક્ષકોની ઘટ અને ગ્રામીણ સુવિધાઓના અભાવ મુદ્દે સરકારને ઘેરી હતી.

ખેડૂતો અને યુવા વર્ગની મિશ્ર પ્રતિક્રિયા

ખેડા અને નડિયાદના પશુપાલકોએ પશુ દવાખાના અને મંડળીઓ માટેની જોગવાઈઓને વધાવી છે. જોકે, જૂનાગઢના ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, બજેટમાં ખેડૂતોને કોઈ સીધો ફાયદો નથી અને સિંચાઈના પ્રશ્નો યથાવત છે. રમત-ગમત ક્ષેત્રે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ વધારવાની જોગવાઈને યુવાનોએ આવકારી છે, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તેવી માગ ઉઠી છે.


આ પણ વાંચો - Gujarat Budget 2026 : બજેટમાં મૂડી અને ખર્ચ જોગવાઇઓમાં 17.5 ટકાનો વધારો


  • Follow us on: