• રાજ્યમાં હિટવેવની સ્થિતિને લઈ મુખ્યમંત્રીની પોસ્ટ

  • હિટવેવથી બચવા સંબંધિત વિભાગો સાથે આયોજન
  • તડકામાં ઘરની બહાર ન નીકળવા મુખ્યમંત્રીની અપીલ

અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને લઈને આગામી કેટલાંક દિવસો સુધી હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. તો, રાજ્યની જનતાને હીટવેવથી બચવા માટે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે તો ગરમીથી ચિંતિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમા હિટવેવને લઇ ટ્વિટર (X) પર પોસ્ટ કર્યું છે. સીએમ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરતાં ગુજરાતની જનતાને સંબોધીને કહેવામાં આવ્યું છે કે આપણે બધા હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટવેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે. સીએમ પટેલે વધુમાં લખ્યું આ આકરા તડકામાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે.

સીએમ પટેલે વધુમાં જણાવ્યું છે કે 'સાવચેતી એ જ સલામતી' એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ.

તો સાથે સાથે સીએમ પટેલે લોકોને વધુ પ્રમાણમાં પાણી અને પ્રવાહી લઈને ડી-હાઇડ્રેશનથી બચવા અપીલ કરી છે. લૂ લાગે, સન સ્ટ્રોક લાગે કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર-દવાખાનાનો સંપર્ક કરવા પણ સલાહ આપી છે. આ હીટ વેવ, અતિશય ગરમી અને તાપની સ્થિતિમાં સૌ સાવચેતી, સલામતી અને સતર્કતા રાખવા પણ અપીલ કરવાં આવી છે.


  • Follow us on: