ગુજરાતમાં આગની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટિને લઈને સઘન તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસ બાદ કેટલી જગ્યાએ તેનું અમલીકરણ થયું અને શું સુધારા થયા તે સવાલો હજી પણ ઉઠી રહ્યાં છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હાઈકોર્ટે સુઓમોટો લઈ સરકાર પાસે જવાબ માંગ્યો હતો. સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને શિસ્તબદ્ધ પગલાં લીધા હોવાનું જણાવ્યું હતું. આજે ફરીવાર અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.


[[$googlead]]

હાઈકોર્ટની ટકોર પણ તંત્રને અસર નથી કરતી

હાઈકોર્ટે સરકાર અને તંત્રને ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી અંગે અનેકવાર કડક ટકોરો કરી છે પણ તંત્રની જાડી ચામડી એમની એમ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે ત્રણ મહિનામાં સામે આવેલી આગની ઘટનાઓ પરથી લાગી રહ્યું છે કે, ફાયર સેફ્ટી મુદ્દે હજી કોઈ અમલ થયો હોય તેવું લાગી રહ્યું નથી.જ્યારે પણ આગની ઘટના બને છે ત્યારે તંત્ર ખાડો ખોદવા બેસે છે. મોટા ભાગની આગની ઘટનાઓમાં શોટ સર્કિટ કે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ કારણભૂત હોય છે. શહેરમાં વધી રહેલી હાઈરાઈઝ ઈમારતોમાં ફાયર સેફ્ટિ કેટલી સજ્જ છે અને તેને ચલાવવા માટેના માણસોને તેનો ઉપયોગ કરતા આવડે છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. આવી અનેક ઘટનાઓ બને છે પણ ફાયર વિભાગ કેટલો સજ્જ છે એવા અનેક સવાલો લોકોના મોઢે ચર્ચાઈ રહ્યાં છે.

[[$alsoread]]

ફાયર એનઓસી અને સેફ્ટીના મુદ્દા ઠેરના ઠેર

રાજકોટમાં લાગેલી આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જાહેર જગ્યાઓ કે રહેણાંક ઈમારતોમાં ફાયર સેફ્ટિ અને ફાયર એનઓસી અંગે તપાસ હાથ ધરાઈ હતી અને ઘણી જગ્યાએ એક્શન પણ લેવામાં આવ્યા હતાં. પરંતુ મુખ્ય મુદ્દો ઠેરનો ઠેર જોવા મળ્યો છે. જ્યારે પણ આગ લાગે ત્યારે રૂંવાડા ઉભા કરી નાંખે તેવી રીતે લોકો પોતાનો જીવ બચાવતા હોય છે. આવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યાં છે. તંત્ર દ્વારા ગમે તેવી કામગીરી કરવામાં આવે, ગમે તેટલા ફાયરને લગતા સાધનો વસાવવામાં આવે પણ જ્યાં સુધી આ સાધનો ચલાવવા માટે લોકો જ સક્ષમ નહીં હોય તો નુકસાન કે જીવ બંનેમાંથી એકેયને બચાવી નહીં શકાય. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ હોય કે પછી શોટ સર્કિટની ઘટના હોય તપાસ કેટલી થાય છે અને તે અંગે એક્શન શું લેવાય છે એ સૌથી મોટો સવાલ છે.

અમદાવાદની આ ઘટનાઓમાં જાણે જીવ સટોસટનો ખેલ

ગત એપ્રિલ માસમાં સરદારનગર વિસ્તારમાં એક બિલ્ડીંગમાં લાગેલી આગમાં પાંચ લોકો બિલ્ડિંગ પરથી જીવ બચાવવા માટે કૂદ્યા હતાં. અમદાવાદના હાસોલ વિસ્તારમાં આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદ્યા હતા. ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ સિનેમા પાસેના શરણમ-૫ નામના એપાર્ટમેન્ટમાં 17 એપ્રિલે આગ લાગવાની ઘટના બની હતી.શરણમ-૫માં ચોથા માળે 401 નંબરની દુકાનમાં જીન્સના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અહીં 21થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ અને 50 જેટલા જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

હાઈકોર્ટની કડક ટકોર બાદ પણ તંત્રની જાડી ચામડી એમની એમ!

સૌથી મોટી ઘટનાની વાત કરીએ તો ખોખરામાં પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ જીવ સટોસટ જેવો ખેલ જોવા મળ્યો હતો. ચોથા માળે લાગેલી આગમાં એક મહિલાએ ગજબની હિંમત દાખવી હતી. પહેલા તેમણે ગ્રાઉન્ડ ફ્લોરથી 50 ફૂટ ઊંચેથી ફાયર રેસ્ક્યૂ બાલ્કનીમાંથી નાની દીકરીને ઊંચકીને ઉતારી, પછી મોટી દીકરીને ઉતારી હતી. ત્યાર બાદ પોતે પણ લટકી ગઈ અને ગબડતાં માંડ માંડ બચી હતી.આ તો માત્ર કેટલીક ઘટનાઓની વાત છે પણ શહેરમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ બહાર આવી છે. જ્યાં ફાયર સેફ્ટિના અમલ અને એનઓસી મુદ્દે કોઈ કાર્યવાહી કરાઈ નથી. અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર ફાયર એનઓસી મુદ્દે માત્ર સિલિંગની કાર્યવાહી કરે છે. પરંતુ લોકોને ફાયરના સાધનો ચલાવતા આવડે છે કે કેમ અને સોસાયટી કે કોઈપણ ઈમારતમાં ફાયરના સાધનો છે કે કેમ તેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આળસુ સાબિત થયું છે.હાઈકોર્ટ દ્વારા સરકાર અને તંત્રને અનેક વખત કડક ચેતવણીઓ આપવામાં આવી છે પણ રાજ્યમાં છાશવારે આગની ઘટનાઓ બનવા છતા તંત્રની જાડી ચામડી એમની એમ જોવા મળી છે.


  • Follow us on: