ગુજરાત ગ્રામ પંચાયતની ચૂંટણી આજે જાહેર થઇ શકે છે, 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ શકે છે તો આજે બપોર પછી જાહેર થઈ શકે ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં રાજ્ય ચૂંટણી આયોગ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરશે જેમાં સાંજે 4 થી 6 વાગ્યા સુધી તૈયારીઓ અંગે સમીક્ષા કરાશે.
અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો છે
હવે અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો છે.તમામ જિલ્લા કલેકટરને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થયાં છે. આગામી સમયમાં ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
8240 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે
ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ ઓબીસી અનામત મુદ્દે અટકી પડેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણી આયોગે અગાઉ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખી ચૂંટણી માટે એલર્ટ થઈ જવા સૂચના આપી હતી. અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 30 જૂન 2025 સુધી જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે તેવી 8240 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.
વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના અપાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની આખરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 1-4-2022 થી 30-6-2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. આ ઉપરાંત વિસર્જન થયેલી તથા મધ્યસત્ર ચૂંટણીને લઈ પૂર્વ તૈયારીઓ માટે કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા અધિકારીઓને આદેશ
અગાઉ રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેકટરો, પ્રાંત અધિકારીઓને પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ કર્યો હતો. જેમાં મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવી લેવા આદેશ કરાયો હતો. તે ઉપરાંત કલેકટરને લખાયેલા આ પત્રમાં ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવાની રહેશે.









