ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની (GSEB) બોર્ડ પરીક્ષાનો આજથી આરંભ થઈ રહ્યો છે. રાજ્યમાં GSEB બોર્ડમાં ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા કેન્દ્રો સજ્જ
રાજ્યમાં 1661 કેન્દ્રો પર ધોરણ-10 અને ધોરણ-12 GSEB બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. ધોરણ-10 અને ઘોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આજથી એટલે કે 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી લેવામાં આવશે.જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આજ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે. GSEB બોર્ડ પરીક્ષાને લઈને 5222 બિલ્ડીંગના 50991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના 50991 બ્લોક CCTVથી સજ્જ થઈ ગયા છે. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પરી વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાશે.
- ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કુલ 1428175 વિદ્યાર્થીઓ નોંધાયા
- ધોરણ 10માં આ વર્ષે 892882 વિદ્યાર્થીઓ નોંધાયા
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે 111384 વિદ્યાર્થીઓ નોંધાયા
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 423909 વિદ્યાર્થીઓ નોંધાયા
શિક્ષણમંત્રીનો સંદેશ
આજથી શરૂ થતી બોર્ડ પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાને લઈને શુભકામના પાઠવી. શિક્ષણમંત્રીએ પરીક્ષા આપતા વિદ્યાર્થી અને તેમના પરીવારને સંદેશ આપ્યો. તેમણે કહ્યું વાલીઓને લઈને કહ્યું કે બોર્ડ પરીક્ષાના સમય દરમ્યાન ઘરમાં સકરાત્મક વાતાવરણ રાખવામાં આવે. જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. બોર્ડ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આખું વર્ષ મહેનત કરવામાં આવે છે. અને અત્યારે અંત સમયે વિદ્યાર્થીઓને જો અનુકૂળ વાતાવરણ ના મળે તો પરીણામ પર વિપરિત અસર થાય છે. તેમજ વિદ્યાર્થીઓને પણ સલાહ આપી કે જો પેપરમાં સારું પ્રદર્શન ના કરી શકો તો ડિપ્રેશનમાં આવી કોઈ ખરાબ લેવા કરતાં પછીના સમયમાં વધુ મહેનત કરવાથી ચોક્કસ સારા પરિણામ મળશે.









