ગુજરાતમાં સોમવારે થયેલા ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે તારાજી સર્જાઈ છે. રાજ્યમાં ભારે પવન અને વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. આ ઉપરાંત બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે. કેરી અને ચીકુ સહિતના પાકો ઝાડ પરથી ખરી પડતાં ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ઉનાળામાં કેરીનો તૈયાર પાક ઝાડ પરથી ખરી પડતાં કેરી મોંઘી થાય તેવી શક્યતાઓ છે.

ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. વડોદરાના કરજણમાં ઉનાળુ અને બાગાયતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે કેરી,ચીકુ અને જામફળ અને આંબા પરથી કેરી ખરી પડી છે. આ ઉપરાંત કપાસ, મકાઈ અને દિવેલા જેવા પાકને નુકસાન પહોંચ્યું છે. જંબુસરમાં ડાભા, સારોદ, લીમજ સહિતના ગામોમાં ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યુ છે. આણંદના તારાપુરના માર્કેટ યાર્ડમાં ઉનાળુ ડાંગરની હજારો ગુણો પલળી ગઈ છે. ડાંગર પલળતા માર્કેટમાં ખરીદી બંધ કરી દેવાઈ છે. પાક પલળી જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બાગાયતી પાકોને ભારે નુકસાન થયું

આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે કેરીનો તૈયાર પાક ખરી જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદે છીનવી લીધો છે. આ ઉપરાંત ઉનાળુ તલ, મગ સહિતના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. નર્મદા નદીની આસપાસના ખેતરોમાં કેળા અને કેરી સહિતના પાકોને નુકસાન પહોંચ્યુ છે. છોટા ઉદેપુરમાં પણ કેરીનો પાક બગડ્યો છે. વઢવાણ માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓ અને ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

કેરી, ચીકુ અને રાવણા સહિતના પાકોને મોટુ નુકસાન

રાજ્યમાં અરવલ્લી જિલ્લામાં મકાઈ,બાજરી,જુગારનો પાક વરસાદમાં સંપૂર્ણ નષ્ટ થયો છે. આ ઉપરાંત ભરૂચના અંકલેશ્વરમાં કેસર, હાફૂસ અને દેશી કેરીના પાકને મોટું નુકસાન થયું છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઉભા પાકોને નુકસાન પહોંચ્યું છે. ઉત્તર ગુજરાતમાં મકાઈ, એરંડા, ઘાસચારો, દક્ષિણ ગુજરાતમાં રાગી, બાજરો, શેરડી અને જુવારના પાકને નુકસાન થયું છે. મધ્ય ગુજરાતમાં તમાકુ, બાજરી અને કઠોળના વાવેતરને નુકસાન પહોંચ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં તલ, અડદ, મગ, એરંડા અને બાજરીના વાવેતરને નુકસાન થયું છે. જ્યારે બાગાયતી પાકોમાં કેરી, ચીકુ અને રાવણા સહિતના પાકોને મોટુ નુકસાન થયું છે.