- રોજગાર માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં સરકાર નિષ્ફળ
- 3 વર્ષમાં MSMEમાં મહિલાકર્મીઓ માત્ર 16.62 ટકા
- સ્વરોજગારમાં મહિલાઓની ભાગીદારીમાં ઉત્તરોઉત્તર વધારો જોવા મળી રહ્યો
આત્મનિર્ભર મહિલા, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાની માત્ર વાતો કરતી ભાજપ સરકારમાં સ્વરોજગાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ક્રમે છે, જે અત્યંત ચિંતાજનક અને નિરાશાજનક છે, મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, એમએસએમઈ મંત્રાલયના અહેવાલને ટાંકી ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં એમએસએમઈમાં મહિલા કર્મીઓની સંખ્યા માત્ર 16.62 ટકા છે.
ગુજરાતના લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી માત્ર 9.04 ટકા છે જ્યારે સ્વરોજગારમાં મહિલા કર્મીઓની ટકાવારીની રાષ્ટ્રીય સરેરાશ 23.59 ટકા છે એટલે કે ગુજરાત ટકાવારીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સરેરાશ કરતાં અડધી જેટલી છે. લઘુ ઉદ્યોગના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી રાષ્ટ્રીય સરેરાશ 12.70 ટકા છે જ્યારે ગુજરાત આંકડાની દ્રષ્ટિએ માત્ર 9.04 ટકા છે. ગુજરાત કરતા સિક્કીમ, બિહાર, મેઘાલય, ત્રિપુરા જેવા આર્થિક રીતે નબળા રાજ્યોમાં સ્વરોજગારમાં મહિલાઓની ભાગીદારીમાં ઉત્તરોઉત્તર વધારો જોવા મળી રહ્યો છે.










