રાજ્યમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હક્કને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસુલ વિભાગે ભાડાપટ્ટાની જમીનને લઈને મોટો નિર્ણય લીધો છે. 7 વર્ષથી વધુ સમય માટે ભાડા પટ્ટે આપેલી જમીન કાયમી થઈ શકશે. જેના માટે જંત્રીની રકમના 60 ટકા ચૂકવવા પડશે, ત્યારબાદ જમીન કાયમી થશે. રાજ્ય સરકારે આ અંગે ઠરાવ કર્યો છે. કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી પણ વસુલવામાં આવશે નહીં.
7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય
તમને જણાવી દઈએ કે 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જંત્રીની રકમના 15થી 60 ટકાની વસૂલાત કરાશે અને જમીન કાયમી કરી આપવામાં આવશે. જો કે એસ.સી, એસટી અને ઓબીસીને આમાં 20 ટકાની રાહત અપાશે. 30 વર્ષ અથવા વધુ સમયથી ભાડાપટે હોય અને તબદીલીને પાત્ર હોય તથા અધિકૃત તબદીલી થઈ શકે તેવી જમીનમાં જ આ નિયમ લાગુ પડશે. 30 વર્ષ કે વધુ સમય જો જમીન અને અધિકૃત હોય તેવા કિસ્સામાં જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે જંત્રીની રકમના 25%માં કાયમી હક મળશે. 7 વર્ષથી વધુ સમય ભાડા પટ્ટા પર હોય અને અનઅધિકૃત તબદીલીમાં જંત્રીના 30%માં કાયમી હક અને જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના 60 ટકા વસૂલાશે. જોકે આ નિર્ણયમાં કેટલાક કિસ્સાઓને અપવાદ રાખવામાં આવ્યા છે.
ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ફેરફાર
બીજી તરફ રાજ્યમાં ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો છે. ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યા છે. હવેથી 7/12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સંમતિની જરૂર હવેથી રહેશે નહીં. તેના બદલે અરજદાર દ્વારા નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર આપવામાં આવેલા સેલ્ફ ડિક્લેરેશન માન્ય રહેશે.









