મોતિયાના કારણે દુનિયા અંધારી લાગે છે, જાણે કોઈ ઘાટા વાદળો છવાઈ ગયા હોય.આ પંક્તિઓ મોતિયો પીડિત વ્યક્તિઓની વ્યથા વર્ણવી રહી છે. દેશમાં ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને જેમ-જેમ સમય પસાર થાય છે તેમ તેમ આંખોની સમસ્યામાં વધારો થતો જાય છે, ત્યારે અમુક નાગરિકોને મોતિયાના ઓપરેશન કરાવવા પડે છે.


સફળ ઓપરેશન થયું
પહેલા મને આંખે ઝાંખું-ઝાંખું દેખાતું હતું. રોજીંદા કામોમાં ઘણી તકલીફો પડતી હોવાથી નિદાન કરાવ્યું તો મોતિયાનું ઓપરેશન કરવું પડશે તેવી ડોકટરે સલાહ આપી. મનમાં ઘણા પ્રશ્નો અને મૂંઝવણો સાથે આંખની સારવાર કરવાનું નક્કી કર્યું પરંતુ આંખનો સવાલ હોવાથી ઉતાવળ યોગ્ય ન હતી. સગા સંબધીઓં અને સ્નેહીજનો સાથે ચર્ચા કરી સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવાનું નક્કી કર્યું. એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના ખુબ જ સારી સારવાર મેળવી મારું સફળ ઓપરેશન થયું છે.

મોતિયાના ઓપરેશનનો વિનામૂલ્યે લાભ
આ ઓપરેશને મારા સરકારી સારવાર પ્રત્યેના બધા જ પૂર્વગ્રહો તોડ્યા અને આજે હવે હું બધું જ સારી રીતે જોઈ શકું છું. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનું એટલો ઓછો છે સરકાર પ્રત્યે હર્ષભેર કૃતજ્ઞતા વ્યક્ત કરતા આ શબ્દો છે લાભાર્થી પરસોત્તમભાઈ રાઠોડનાં. સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાનાં નાના અંકેવાડિયા ગામનાં રહેવાસી પરસોત્તમભાઈ રાઠોડએ સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશનનો વિનામૂલ્યે લાભ મેળવ્યો છે.

રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ
કાર્યક્રમ રાજ્યભરમાં અમલી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી જનરલ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે. આ અંગે વધુ વિગતો આપતા મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં આવેલા આંખ વિભાગનાં પ્રોગ્રામ ઓફિસર અને આંખના સર્જન ડો. કેતન કે.લીંબાચીયા જણાવે છે કે, સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રશ્ય ક્ષતિ નિયંત્રણ કાર્યક્રમ (નેશનલ પ્રોગ્રામ ઓફ કંટ્રોલ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ NPCB&VI) પ્રોગ્રામ અંતર્ગત વિનામૂલ્યે આંખના મોતિયાના ટાંકા વગરના નેત્રમણી સાથે ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જેનો હાલ નાગરિકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં ૧૦ થી ૧૫ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જે ગુજરાતના સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. સમગ્ર દેશમાં નેત્રમણી વિનામૂલ્યે આપી ઓપરેશન કરવામાં ગુજરાત રાજ્ય મોખરે છે.

વિવિધ રોગોનું નિદાન તથા સારવાર
વધુમાં તેઓ જણાવે છે કે, અહિયાં ઝામર, વેલ, પડદા, ત્રાસી આંખની સારવાર વગેરે જેવા આંખના વિવિધ રોગોનું નિદાન તથા સારવાર આધુનિક સાધનો વડે વિનામૂલ્યે કરવામાં આવે છે. મોતિયાના ઓપરેશન પછી થતી છારી કાઢવા માટે પણ અદ્યતન લેસર મશીન, નેત્રમણીની પૂર્વ તપાસ માટે સોનોગ્રાફી તથા કેરેટોમીટર જેવા આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે. મોતિયો કાચો હોય અને રોજિંદા કામમાં તકલીફ હોય તો કાચા મોતિયાનું પણ ઓપરેશન કરાવી શકાય છે.

વિનામૂલ્યે ચશ્માં વિતરણ
અત્રે નોંધનીય છે કે, દેશનાં વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો નિર્ધાર છે કે, આપણો દેશ “મોતિયા-અંધત્વમુકત રાષ્ટ્ર” બને. આ નિર્ધારને સાકાર કરવા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યું છે. રાજ્યનાં નાગરિકોના આરોગ્યની દરકાર લઈ રાજ્ય સરકાર દ્વારા “મોતિયા અંધત્વ મુક્ત રાજ્ય” બનાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણી આપવામાં આવે છે. રાજ્યમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. દ્રષ્ટિહિન વ્યક્તિઓ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી દ્રષ્ટિ પુરી પાડી શકાય તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અન્વયે ૧૮ વર્ષ સુધીના બાળકોની ચકાસણી કરીને ખામી ધરાવતા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્માં વિતરણ પણ કરવામાં આવે છે.

  • Follow us on: