ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે વાવાઝોડા અંગે નિવેદન આપ્યું હતું. અરબી સમુદ્રમાં લો પ્રેશર બિલ્ટ અપ થઈ ગયું છે. જે આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે હવાની ગતિમાં વધારો થશે. કોંકણ તટને પણ એલર્ટ કરી દેવાયો છે. લો પ્રેશરને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે. આવતીકાલે પવનની ગતિ 60 કિ.મી પ્રતિ કલાક રહી શકે છે. ગોવામાં 20 સે.મીથી વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. આગામી બેથી ત્રણ દિવસ કેરળમાં ચોમાસુ પ્રવેશી શકે છે.
આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ શઈ શકે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ શઈ શકે છે. આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ અપાયું છે. આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ,સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
માછીમારોને આવતીકાલ સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના
દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને આવતીકાલ સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના અપાઈ છે. સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેશર બન્યું છે. આવતીકાલ સાંજ સુધી લો પ્રેશર ડિપ્રેશન બની શકે છે.દ.ગુજરાત અને દ.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા થઈ શકે છે.
વહીવટી તંત્રોને એલર્ટ રહેવા સૂચના અપાઈ
અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે.









