- છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ
- આજે મેઘરાજાએ વહેલી સવારથી મધ્ય ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધુ
- સાવલીના મંજુસર ગામે જળબંબાકાર, 10 ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી
છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર છૂટાછવાયા ઝાપટા પડતા હતા. જેથી બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતા. જો કે આજે મેઘરાજાએ વહેલી સવારથી મધ્ય ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે. આખા દિવસ દરમિયાન રાજ્યના 208 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં સવારે 8 વાગ્યાથી એકધારો સાડા 13 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના પગલે બોરસદની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. જેથી બોરસદ, કોસિન્દ્રા, આંકલાવ અને અલારસા જેવા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ શહેરમાં મેઘરાજા કેટલા મહેરબાન?
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 77 તાલુકામાં 1 ઈંચથી વધુ, 37 તાલુકામાં બે ઈંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બપોરે 2 થી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 57 મિ.મી વરસાદ વડોદરાના ડભોઈમાં નોંધાયો છે. આ સિવાય મહીસાગરના કડાણામાં 47 મિ.મી, ખંભાતમાં 37 મિ.મી, વાઘોડિયામાં 37 મિ.મી, વડોદરામાં 34 મિ.મી, ચિખલીમાં 29 મિ.મી., નવસારીના ખેરગામમાં 28, પંચમહાલના હાલોલમાં 28 મિ.મી વરસાદ નોંધાયો છે.
સાવલીના મંજુસર ગામે જળબંબાકાર, 10 ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી
સાવલીના મંજુસર ગામે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે. 10થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. નવીનગરી વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.
ભારે વરસાદથી પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ
પાવાગઢમાં ભારે વરસાદના કારણે દર્શનાર્થીઓ માટે ડુંગર ઉપર જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. દર્શનાર્થીઓની સલામતીને લઈને નિર્ણય લેવાયો છે. પગથિયાં ઉપર પાણી વહેતા નિર્ણય લેવાયો છે.
બોરસદના અનેક વિસ્તારો જળમગ્ન
બોરસદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ફતેપુરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ સાથે જ ફતેપુરા વિસ્તારમા કેડસમા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હોવાની જાણકારી પણ સામે આવી છે.
ભરૂચના જંબુસરની શકિતનગર સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોએ રોડ કર્યો ચક્કાજામ
ભરૂચ તેમજ અંકલેશ્વરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે જંબુસરની શકિતનગર સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોએ રોડ બ્લોક કરી ચક્કાજામ કર્યો હતો,ઘટનાની જાણ થતા નાયબ કલેકટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડયો હતો,સ્થાનિકોએ જંબુસર કલક રોડ પર ચક્કાજામ કર્યો હતો.
વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક નોંધાઈ
વડોદરામાં ભારે વરસાદ વરસતા નવા નીરની આવક થઈ છે.આજવા સરોવર 208 ફૂટની સપાટીએ પહોંચ્યું છે.આજવા સરોવરનું ભયજનક લેવલ 212 ફૂટ છે.તો વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક નોંધાઈ છે.વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ નોંધાયું છે.
સુરત જિલ્લામાં મેઘરાજાએ ભારે તોફાન મચાવ્યું
સુરત જિલ્લામાં મેઘરાજાએ ભારે તોફાન મચાવ્યું છે, ભારે વરસાદના કારણે તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે અને લોકોને અવર જવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઘણા રસ્તાઓ બંધ થયા છે, ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.
પાદરામાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી
વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. પાદરામાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.મહત્વનું છે કે,ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પણ પાણી ઘુસી જતા સ્થાનિકોને હવે કયાં જઉ તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે,પાદરા નવા એસટી ડેપોથી ફૂલબાગ રોડ પર પાણી ફરી વળ્યા છે,સ્થાનિકો પાણીમાંથી નિકળવા મજબૂર બન્યા છે.
વડોદરામાં વરસાદી પાણીમાં ખેતરો તરબોળ થયા
વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની વચ્ચે શિનોર પંથકમાં વહેલી સવારથી વરસાદની અનરાધાર બેટીંગ ચાલી રહી છે.વહેલી સવારથી બપોરના 2 વાગ્યા સુધી સવાચાર ઈંચ વરસાદ વરસ્યો છે ત્યારે હજી પણ મેઘરાજાની બેટીંગ ચાલુ છે. વરસાદી પાણીમાં ખેતરો તરબોળ થયા છે.ભારે વરસાદ વરસતા કપાસના પાકને નુકસાન થયું છે.
વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર
વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરાયા છે. જેમાં પોલીસ કન્ટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે.
જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો
સુરત અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. તેમજ હાલ ડેમની કુલ સપાટી 160 ફૂટ પહોંચી છે. વહીવટી તંત્ર તકેદારીના ભાગ રૂપે કામે લાગ્યુ છે. સુરત ગ્રામ્યમાં SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયુ છે તેમાં માંગરોળના લીંબાડા ગામે રેસ્ક્યુ કાર્યવાહી હાથધરાઇ છે.
નર્મદાના કરજણ ડેમમાંથી પાણી છોડાયુ
નર્મદાના કરજણ ડેમમાંથી પાણી છોડાયુ છે. જેમાં કરજણ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયુ છે. તેમજ કરજણ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યૂસેક થતા 50 હજાર ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડાયું છે. નદી કાંઠાના 9થી વધુ ગામોને સાવચેત કરાયા છે.
છોટા ઉદેપુર: નસવાડીમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા
સમગ્ર રાજ્ય સહિત છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છોટા ઉદેપુરના નસવાડીમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રોડ, રસ્તા અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.
સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ
સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે જેના કારણે ડેમના 6 દરવાજા ખોલી પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે.ડેમની કુલ જળ સપાટી 115 મીટર છે તો હાલ ડેમ 113 મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે.ડેમના 6 દરવાજા ખોલી 6132 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.









