- બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ ડાઇવર્ટ કરાયો
- જાહેર જનતાની સલામતીને લઇ રોડ બંધ કરાવાનો નિર્ણય
- વૈકલ્પિક રોડ વટામણ ચોકડી, પીપળી, ફેદરા થી ધંધુકા સુધીનો રહેશે
સૌરાષ્ટ્રના જિલ્લાઓને મેઘરાજા મન મુકીને ધમરોળી રહ્યા છે. અનેક રોડ-રસ્તાઓ ભારે વરસાદને પગલે ધોવાયા છે. સૌરાષ્ટ્ર આવતા-જતા મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બગોદરા-ફેદરા સ્ટેટ હાઈવે ઓવર ટોપીંગ થવાના કારણે બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો અગત્યનો રાજય ધોરી માર્ગ બગોદરા-ધંધુકા રોડ ભારે વરસાદને પગલે બંધ કરવામાં આવ્યો છે. 5 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે તમામ જિલ્લામાં જળબંબારાની સ્થિતિ સર્જાઇ છે. ભારેથી અતિભારે વરસાદ અને ઉપર વાસમાંથી પાણીનો અવરોહ આવવાના કારણોસર બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળ્યાં છે. જેને લઇ બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ ડાઇવર્ટ કરાયો છે.













