- થરાદમાં ટેન્કરમાં લાગી આગ
- પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા
- બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયું
રાજ્યમાં આજે વિવિધ જગ્યાઓએ આગ અને ડૂબી જવાની અનેક ઘટનાઓ બની છે. મંગળવાર સવારથી બપોર સુધીમાં જ રાજ્યમાં આગની 4 ઘટનાઓ બની છે. અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તાર હાઈરાઈઝ બિલ્ડિંગમાં નવમા માળે આગ લાગી હતી અને તેમાં તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું. તો થરાદ સાચોર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. આ સિવાય મહીસાગરમાં જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો. તો સુરતમાં ગર્ભાશયના ઓપરેશન બાદ શિક્ષિકાનું મોત થયું છે. બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયાનું સામે આવ્યું છે. આ સિવાય આજની મોટી ઘટનામાં પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. તો જાણો તમામ ઘટનાઓ વિશે વિગતે.
અમદાવાદ મોડાસા હાઇવે ઉપર અકસ્માત
અમદાવાદ મોડાસા હાઈવે પર ટ્રકની ટકકરે બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે. રખિયાલ નવોદય હાઇસ્કુલ નજીક બનાવ બન્યો છે. બાઇકચાલકે એકાએક યુ ટર્ન લેતા અકસ્માત થયો છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
અમદાવાદના પ્રહલાદનગરમાં આગ
શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગ બિલ્ડિંગના 9મા માળે લાગી હતી. બિલ્ડીંગના નવમા માળે આગ લાગતા બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી અને સાથે જ ફસાયેલા 64થી વધુ કર્મચારીઓનું ફાયરના જવાનો તેમજ સ્થાનિકોએ રેસક્યુ કર્યું છે. એસીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું અને ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ અને સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા.
થરાદ સાચોર હાઇવે પર ટેન્કરમાં આગ
થરાદમાં કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારી હતી. આ ઘટના બાદ હાઈવે બ્લોક થઈ ગયો હતો.
સુરતમાં બ્લૂ સીટી બસમાં લાગી આગ
સુરતમાં આભવા ગામના તળાવ પાસે બનાવ બન્યો છે. બસ પાર્ક કરીને ડ્રાઇવર કંડકટર આરામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક બ્લ્યુ સીટી બસમાં આગ લાગી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે સદનસીબે તેમાં કોઈ મુસાફરો ન હતા.
મહીસાગરમાં જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો
વાવાઝોડાના કારણે આગ જંગલમાં ફેલાતા વૃક્ષોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે 7 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં જાનહાનિનું કોઈ નુકસાન થયું નથી.
સુરતમાં ગર્ભાશયના ઓપરેશન બાદ શિક્ષિકાનું મોત
અમૃતા હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓપરેશનના 15 જ મિનિટમાં જ શિક્ષિકાનું મોત થયું છે. મહિલાના મોત બાદ પરિજનોના તબીબ સામે આક્ષેપ કરાયો છે. ખટોદરા પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.
બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત
અંબિકા નદીમાં પગ ધોવા જતા 2 બાળકો ડૂબ્યા. 2 બાળકોમાંથી 1નો બચાવ, અન્ય એકનું મોત થયું છે. મિત્રને ડૂબતો જોઈ તરુણ બચાવવા માટે કૂદ્યો હતો.
પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા
નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા. મૂળ અમરેલી જિલ્લાનાં વતની હતા અને તેઓ હાલ સુરત રહેતા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા અને સાથે એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો. અન્ય 7 લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. વડોદરાના જરોદથી NDRFની એક ટીમ રવાના થઈ હતી.









