ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઇ રહી છે. વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાઇ રહ્યો છે. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉજવણી થઈ રહી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા છે. નોંધનીય છે કે, અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે. 66 નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. કુલ 1844 બેઠકો હતી જેમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં ફરીએકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી છે. રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.
ભાજપના વિજ્યોત્સવ પર બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ભાજપના વિજ્યોત્સવ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું હતું કે, 66 નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે.વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપને જીત મળી છે. પાર્ટી અને ચૂંટાયેલી પાંખ એક સાથે કામ કરતી હોય છે. હું અને મારી ટીમ વધુ નિષ્ઠાથી કામ કરીશુ.
કોંગ્રેસ પાસે 13 નગરપાલિકા હતી 12માં હાર્યાઃ પાટીલ
જીત પર સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. અમારી કલ્પના હતી તેમા હજુ કચાસ રહી હોય તેવું લાગ્યું છે. તમામ 68 નગરપાલિકા જીતવાનું લક્ષ્ય હતુ, સપાને 2 અને કોંગ્રેસને 1 નગરપાલિકા મળી છે. 7 નગરપાલિકામાં તમામ બેઠકો ભાજપે જીતી છે. વડાપ્રધાન મોદીને પ્રચંડ જન સમર્થન મળ્યું છે.કોંગ્રેસ પાસે 13 નગરપાલિકા હતી 12માં હાર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. અમે પ્રજાએ મુકેલા વિશ્વાસને એળે નહિ જવા દઈએ. જીત બાદ હવે જવાબદારીઓ પણ વધી છે.









