ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ મુંદ્રામાં 8 ઇંચ, અબડાસામાં 7 ઇંચ વરસાદ તથા દ્વારકામાં 6 ઇંચ, અંજારમાં 3 ઇંચ લખપત, ભૂજ અને ગાંધીધામમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. ગુજરાતમાં ચાર દિવસમાં સૌથી વધારે 40 ઈંચ વરસાદ ખંભાળિયામાં પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 21, મધ્ય ગુજરાતના 10, દ.ગુજરાતના 4 તાલુકામાં કપરી સ્થિતિ છે.
214માંથી 78 તાલુકામાં સરેરાશ પાંચથી સાત ઈંચ વરસાદ જ નોંધાયો છે. જેમાં કોરાધાકોર લાલપુર, કલ્યાણપુર, દ્વારકા, અબડાસામાં સ્થિતિ પલટાઈ છે. ગુરૂવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટયુ છે પરંતુ, 25મી ઓગસ્ટને રવિવારથી શરૂ કરીને 28 ઓગસ્ટને બુધવાર વચ્ચેના ચાર દિવસમાં ભારેથી અતિભારે સાર્વત્રિક વરસાદમાં સૌથી વધારે 40 ઈંચ વરસાદ જામનગરના ખંભાળિયા તાલુકામાં ખાબક્યો છે. ગુજરાતના 214 તાલુકામાં ઉક્ત ચાર દિવસ દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલમાં કુલ 40 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન, સરકારી વ્યવસ્થા અને વેપાર- ધંધાને અસર પહોંચ્યાનું તારણ છે. 25મી ઓગસ્ટને રવિવારે જામનગરના લાલપુર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, દ્વારકા અને કચ્છના અબડાસા, લખપત તેમજ પોરબંદરના રાણાવાવ, પોરબંદર એમ સાતેક તાલુકામાં તો જરાય વરસાદ નોંધાયો નહોતો. પરંતુ, તે પછી જન્માષ્ઠમીના દિવસ સોમવારથી બુધવારની સવાર સુધીમાં 27થી 19 ઈંચ જેટલો વરસાદ થયો છે.









