આગામી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર-મધ્ય- દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર તરફથી એક વરસાદી ટ્રફ પસાર થવાથી માવઠાની આગાહી કરાઈ છે. રાજ્યમાં 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમા 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમા 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદની અસરને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતરમાં પાકને નુકસાન થવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.
અમરેલીના લાઠીમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન
બીજી તરફ અમરેલીના લાઠીમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે. ડુંગળી, બાજરી અને કઠોળના પાક પર માવઠાને કારણે નુકસાન થયું છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર વરસાદે પાણી ફેરવી નાંખ્યું છે. ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાથી સરવે કરાવી વળતર આપવામાં આવે તેવી માગ કરાઈ છે.ઉત્તર ગુજરાતમાં યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે પવન સાથે વરસાદ થવાથી સ્ટ્રીટ લાઈટ પડી ગઈ હતી.









