હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે,નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત છે,કોઈ પણ જગ્યાએ રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી,પરંતુ આવનારા ત્રણ દિવસોમાં ગરમીનો પારો ઊંચકાશે,હાલ ગુજરાત રાજયમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની નથી જે રાહતના સમાચાર છે.
આ જગ્યાએ છૂટાછવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.સુરત,વલસાડ,નવસારીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.આવાનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે તેમજ અમદાવાદમાં એક સપ્તાહમાં 33થી 35 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના દેખાઈ રહી છે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શકયતા નહિવત દેખાઈ રહી છે,હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમી પડી શકે છે.
આજે કયા અપાઈ છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ત્રીજી ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.









