ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવાથી કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ઉડ્યા છે તો કેટલીક જગ્યાએ છાપરા ઉડવાની ઘટનાઓ પણ સામે આવી છે. ભાવનગરમાં એક મકાન પર વીજળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.
ભાવનગરમાં એક મકાન પર વીજળી પડી
રાજ્યમાં હવામાન વિભાગે આપેલી કમોસમી વરસાદ ની આગાહી ને પગલે શરૂ થયો છે. ભાવનગર જિલ્લા અને શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થયો છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી અમર સોસાયટીમાં મકાન પર વીજળી પડી હતી.અમર સોસાયટીમાં એક મકાનમાં વીજળી પડતા મકાનની દીવાલનો થોડોક ભાગ ધરાશાઈ થયો હતો તેમજ મકાનમાં રહેલું વાયરીંગ ઇલેક્ટ્રોનિક્સ સામાનને વ્યાપક નુકસાન થયું હતું.તેમજ બાજુમાં રહેલા હીરાના કારખાનામાં પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં વલ્લભીપુર તાલુકાના રામપર, પીપળી,ચમારડી, પાટી સહિત ગ્રામ્યમાં પણ વરસાદ નોંધાયો છે.
દિયોદરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો
આ ઉપરાંત બોટાગ શહેરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. જોરદાર પવનના કારણે ભાવનગર રોડ પર ગેટ ધરાશાયી થતાં થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જ્યારે ગઢડા રોડ પર આવેલ કેબીનના પતરા ઉડયા હતાં. બીજી તરફ રાજકોટના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. જસદણ, વિંછિયા, હિંગોળગઢ, અમરાપુરમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાભર અને દિયોદરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં વાતાવરણમાં પલટો
અમદાવાદના ધોળકામાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો છે. ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત અમદાવાદના નારોલ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતાં. ભરૂચમાં પણ જંબુસર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના પ્રહલાદનગર, શ્યામલ, નારોલ,બોપલ,શેલા,વસ્ત્રાપુર યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. બીજી તરફ ખંભાતમાં પણ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ શરૂ થયો છે. કચ્છમાં પણ રાપરના જાટાવાડામાં કરા સાથે વરસાદ થયો છે. ધોળાવીરામાં કરા સાથે વરસાદ પડ્યો છે.









