ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. ત્યારે કાર્યક્રમને લઈ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને કલેક્ટરે જાહેરનામું બહાર પાડી રસ્તાઓ ડાયવર્ટ કર્યા છે. તેથી સોમવારે બપોરે 1થી 7 સુધી ભુજ તરફના માર્ગ બંધ રહેશે.
ભુજ તરફના માર્ગ રહેશે બંધ
વડાપ્રધાનના કાર્યક્રમને લઇ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે બપોરે 1થી 7 સુધી ભુજ તરફના માર્ગ બંધ રહેશે. તેથી શેખપીર, મુન્દ્રા રોડથી વાહનો ભુજ નહીં આવી શકે અને 36 ક્વાર્ટર થઇ નાગોર ફાટક, માધાપર તેમજ ભુજ બહાર જઇ શકશે. 26 મેનાં રોજ બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી 36 ક્વાર્ટર ત્રણ રસ્તાથી એરપોર્ટ ત્રણ રસ્તા, કોડકી ચાર રસ્તા, ત્રિમંદિર, પ્રિન્સ રેસીડેન્સી રસ્તાથી ભગવતી ચાર રસ્તા સુધી તમામ વાહનો અવર-જવર કરી શકશે નહીં.
જાણો ક્યા માર્ગથી જઈ શકશો
ભુજ તરફના માર્ગ બંધ રહેવાનાં પગલે આ વાહનો 36 ક્વાર્ટર ત્રણ રસ્તાથી સરપટ નાકા થઇને ભુજમાં પ્રવેશ કરી શકશે. 36 ક્વાર્ટર થઇ નાગોર ફાટક, માધાપર તેમજ ભુજ બહાર જઇ શકશે. ભુજમાંથી માંડવી, માતાના મઢ, નખત્રાણા, નારાયણ સરોવર 36 ક્વાર્ટર ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન, આત્મારામ સર્કલ, આરટીઓ સર્કલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રિલાયન્સ સર્કલ, ચંગલેશ્વર મહાદેવ મંદિર, કચ્છ યુનિ.થી આગળથી જમણી બાજુ મિરજાપર તરફના માર્ગે જઇ શકશે. ભુજમાં પ્રવેશ કરનારા વાહન ચાલકો મિરજાપર ગામના બે નંબરના ગેટથી પ્રવેશ કરી ગૌશાળા થઇ મુન્દ્રા રોડ પર આવી ચંગલેશ્વર મહાદેવ થઇને રિલાયન્સ સર્કલથી પ્રવેશ કરી શકશે.
તે જ રીતે શેખપીર ચાર રસ્તા, મિરજાપર પોલીસ ચોકી, મુન્દ્રા રોડ પર મિરજાપર જવાના રસ્તાથી ભુજ તરફ અને પાલારા જેલથી ભુજ તરફ ભારે વાહનો પ્રવેશ કરી શકશે નહીં. ભચાઉ, ગાંધીધામ તરફથી આવતા વાહનો ગાંધીધામથી મુન્દ્રા જઇ શકશે. સાથે જ નખત્રાણા, નલિયા, માતાના મઢ તરફથી આવતા ભારે વાહનો માનકુવાથી મુન્દ્રા જઇ શકશે. તેથી ખાવડા તરફથી આવતા વાહનો રોડ ટુ હેવનનો ઉપયોગ કરી શકશે.