• ટુરિઝમ સેક્ટરને વેગ આપવા માટે લેવાયો નિર્ણય
  • આ ઑફિસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
  • ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે


ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ફરવાલાયક સ્થળોમાં સરકાર દ્વારા અનેક સુધારા-વધારા કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય નવા પ્રવાસન સ્થળો પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. એવામાં ગુજરાત જ નહીં, સમગ્ર દેશના તમામ રાજ્યોની જનતાને ગુજરાતના પ્રવાસન સ્થળો વિશે ખબર પડે અને તેઓ ગુજરાતમાં ફરવા આવે તે હેતુથી રાજ્ય સરકારે દેશના અલગ-અલગ ભાગોમાં ઑફિસો શરૂ કરવાનું આયોજન કર્યું છે. જેમાં અયોધ્યા, વારાણસી, દહેરાદૂન, ચંદીગઢ, નાગપુર, ઈન્દોર અને ભુવનેશ્વરમાં ઑફિસ ખોલવામાં આવશે.

જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત ટુરિઝમ ઑફિસ ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આ બાબતે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ ઑફિસો થકી અન્ય રાજ્યોના પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા આવે તેવા પ્રયત્નો તરીકે રાજ્યના પ્રવાસન સ્થળો વિશે જાણકારી આપવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં 7 મોટા પ્રવાસન સ્થળો ઉપર ટૂરિસ્ટ ઈન્ફોર્મેશન ઑફિસ ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં નાના કચેરીઓ તૈયાર કરાશે, જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ કચેરીમાં ગુજરાતમાં ફરવા લાયક પ્રવાસન સ્થળોની તમામ જાણકારી પૂરી પાડતા મટીરિયલ્સ રાખવામાં આવશે.

વર્તમાન સમયમાં ટુરિસ્ટ પ્લેસ તરીકે સોમનાથ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ સીમા દર્શન, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સફારી પાર્ક, ગીરનું જંગલ, માધવપુર બીચ જેવા ટુરિસ્ટ પ્લેસોની જાણકારી આ 7 ઇન્ફોર્મેશનની ઓફિસ ખાતે અન્ય રાજ્યના પ્રવાસીઓને આપવામાં આવશે. જેથી રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને સરકારની આવકમાં પણ વૃદ્ધિ થાય.

  • Follow us on: