ગુજરાતમાં એક સાથે ત્રણેક સિસ્ટમો સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં ઊંછા મોજા ઉછળવાની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી છે. ત્યારે સોમનાથ અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આવા સમયે પ્રવાસીઓ દરિયામાં જોખમી મોજ માણી રહ્યાં છે.


જાહેરનામાનો ભંગ કરી લોકો બિન્દાસ્ત સ્નાન કરી રહ્યાં છે

સોમનાથનો દરિયો તોફાની માનવામાં આવે છે. હાલના સમયમાં દરિયો ગાંડોતૂર બની રહ્યો છે. ત્યારે પ્રવાસીઓ આ પ્રતિબંધિત દરિયામાં જોખમી સ્નાન કરી રહ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. દરિયામાં ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓ સ્નાન કરતા દેખાયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મુક્યો છે. સામાન્ય રીતે દરિયા કિનારે પોલીસ પણ હાજર હોય છે પરંતુ આ પ્રવાસીઓને કોઈ રોકી રહ્યું હોય તેવું દેખાતું નથી. મહાકાય મોજાઓ સોમનાથના દરિયામાં ઉછળી રહ્યાં છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરી લોકો બિન્દાસ્ત સ્નાન કરી રહ્યાં છે.

દરીયામા ભારે કરંટ જોવા મળ્યો છે

બીજી તરફ સંઘપ્રદેશ દિવમાં પણ પ્રવાસીઓ વરસાદમાં દરિયાની મોજ માણી રહ્યાં છે. દિવમાં વરસાદ થયા બાદ વાતાવરણ આહ્લાદક બન્યું હતું. પ્રવાસીઓ દરિયા કિનારે ગાડી ઉભી રાખીને મોજ માણતા નજરે પડ્યા હતાં. દરિયામાં કરંટ દેખાતો હોવા છતાં લોકો ફોટો ગ્રાફીનો આનંદ માણતા નજરે પડ્યાં છે. આ ઉપરાંત દ્વારકાના દરિયામાં પણ આજે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દરીયામા ભારે કરંટ જોવા મળ્યો છે. સંગમ ધાટથી ભડકેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. સહેલાણીઓ ઉછળતા મોજાનો આનંદ માણી પોતાની તસવીરો કેમેરામાં કેદ કરી રહ્યાં છે. 

  • Follow us on: