- પદાધિકારીઓની નિમણૂંક ન થતાં કામગીરી પર અસર
- નિમણૂક પ્રક્રિયાનો પ્રોગ્રેસ રિપોર્ટ એક મહિનામાં આપવાનો રહેશે
- અગાઉ હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરવામાં આવી હતી
ગુજરાત રાજય વકફ્ બોર્ડમાં હાલ કાયમી સભ્યો સહિતના પદાધિકારીઓની સરકાર દ્વારા નિમણૂંક નહી થઇ હોવાથી રોજબરોજની કે કોઇ તાકીદની અરજન્ટ કામગીરી ચાલતી નહી હોવાથી વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે યોગ્ય પદાધિકારીઓની નિમણૂંક કરવા દાદ માંગતી પીઆઇએલમાં હાઇકોર્ટે આજે રાજય સરકારને વકફ્ બોર્ડમાં અને ટ્રિબ્યુનલમાં નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટે એક મહિનામાં જે કંઇ પ્રક્રિયા હાથ ધરાય તેનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આવતા મહિને રાખી હતી. જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અગાઉ ગુજરાત રાજય વકફ્ બોર્ડમાં ચેરમેન, સભ્યો સહિતની નિમણૂંકો યોગ્ય રીતે અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર નહી થઇ હોવાથી ગંભીર ફરિયાદ ઉઠી હતી અને આ મામલે અગાઉ હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરવામાં આવી હતી, જેથી ખુદ રાજય સરકાર દ્વારા જ તા.31-1-2022ના રોજ ગુજરાત રાજય વકફ્ બોર્ડને વિખેરી નાંખવામાં આવ્યું હતું., ત્યારથી વકફ્ બોર્ડમાં ચેરમેન, સભ્યો સહિતની કાયમી નિમણૂંક નહી થઇ હોવાથી વકફ્ને લગતી કામગીરી અને સુનાવણી ખોરંભે પડી હતી.










