ગુજરાત રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાં ઠંડીમાં થયો વધારો. નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. અમદાવાદ 13.5 ડિગ્રી, ગાંધીનગર 11.4 ડિગ્રી સાથે ઠંડુ શહેર. વડોદરા 10.2 ડિગ્રી, રાજકોટ 10.4 ડિગ્રી નોંધાયું. ડીસા 8.9 ડિગ્રી, વેરાવળ 17.3 ડિગ્રી, દ્વારકા 15.6 ડિગ્રી, સુરત 18.4 ડિગ્રી નોંધાયું, કેશોદ 11.7 ડિગ્રી, અમરેલી 10.0 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગર 12.6 ડિગ્રી, ભાવનગર 13.2 ડિગ્રી નોંધાયું.


[[$googlead]]

બીજી તરફ રાજસ્થાનમાં સતત ત્રણ દિવસથી -2 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. તો -3 ડિગ્રી સાથે આબુનો માહોલ પણ કાશ્મીર જેવો જોવા મળી રહ્યો છે. બરફની ચાદર છવાતા લોકો ઠંડીની મજા પણ લઈ રહ્યાં છે.

ઠંડા પવનને લીધે દિવસે પણ ઠંડીની અસર

[[$alsoread]]

ઉત્તર દિશા તરફથી આવતા બર્ફિલા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આ પ્રકારે જ રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફુંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર

છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો 10 વાગ્યા બાદ ખૂલવા લાગી છે. તો વહેલી સવારના બસ સ્ટેશન પર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાય છે. મોટા ભાગની બસ નહિવત મુસાફરો સાથે ઊપડે છે. આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનું જોર વધશે, તેમ તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન પર તેની ગંભીર અસર થશે.

17 જિલ્લાનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી ઓછું

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 17 જિલ્લાનું લઘુતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાયું હતું. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 10.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું 10.4 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીનું 10 ડિગ્રી સેલ્સિયસ, ભુજનું 11.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસાનું 8.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરનું 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આબુમાં ગાડી અને ઘાસ પર બરફની ચાદર છવાઈ

રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ (-3) ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો. આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં તો ઘાસ ઉપર પણ બરફની ચાદર જામી હતી. ગાર્ડનમાં મૂકેલાં કુંડાંમાં પણ બરફ જામેલો જોવા મળ્યો હતો. ગાડી અને ઘાસ ઉપર બરફની ચાદર છવાતા સહેલાણીઓએ બરફની ભરપૂર મોજ માણી હતી.

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠાની પણ સંભાવના

ભરશિયાળા વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. ક્રિસમસ અને ન્યુ યરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો લાંબો ચાલશે. આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે. ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે.

અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ઠંડી

છેલ્લાં 3 દિવસથી રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનો ચાલી રહ્યા હતા, જેની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો 13થી 14 ડિગ્રીની આસપાસ રહેતો હતો. પરંતુ, શનિવારથી ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનો શરૂ થયા છે, જેની અસરોથી શનિવારે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શહેરમાં સવારથી 15થી 20 કિલોમીટરની ગતિના કાતિલ ઠંડા પવનોની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો 12.5 ડિગ્રીએ પહોંચતાં સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઠંડા પવનો વચ્ચે દિવસ દરમિયાન તડકો રહેતાં મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી જેટલું યથાવત્ રહ્યું હતું. આમ, શહેરમાં કાતિલ ઠંડા પવનો અને તડકાને કારણે છાંયામાં ઊભા રહેતાં ઠંડી અને તડકામાં ઊભા રહેતાં ગરમીનો અનુભવ થતો હતો. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહી શકે છે.

વડોદરાનો પારો 10 ડિગ્રી રહેવાની સંભાવનાઓ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવન રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ભારતનાં રાજ્યોમાં હિમવર્ષાની અસર પણ પવનોને કારણે ગુજરાત તરફ વર્તાઈ રહી છે. ત્યારે વડોદરામાં આજે પણ ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ, વડોદરામાં મહત્તમ તાપમાનનો પારો 27.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 57 ટકા સાંજે 29 ટકા નોંધાયું હતું. જ્યારે 6 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં. ઝડપી પવનોને કારણે શહેરજનોને ઠંડીનો વર્તારો વધુ અનુભવાયો હતો, જેને પગલે દિવસભર લોકો ઠુંઠવાયા હતા.

  • Follow us on: