રાજયમાં વાતાવારણને લઈ હવામાન વિભાગે આગાહી આપી છે,જેમાં હાલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.રાજયમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત છે ત્યારે બપોરે ગરમી તો વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર જોવા મળી છે,13 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે.હવે રાજયમાં ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે,વહેલી સવારે અને મોડી રાત્રે શહેરમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે.
જાણો રાજયમાં કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી ઓછું તાપમાન કેશોદમાં 17.5 ડિગ્રી,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 36.3 ડિગ્રી,અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી, લઘુતમ તાપમાન 20.8 ડિગ્રી,ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી,નલિયામાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી,અમરેલીમાં મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી,સુરતમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી, લઘુતમ તાપમાન 19.1 ડિગ્રી તો કેશોદમાં મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે.
પશ્ચિમી વિક્ષોભ મજબૂત નથી
આજે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો પર ત્રાટકશે. આ વખતે હજુ સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યું નથી. આવી સ્થિતિમાં, તાપમાન તેના સ્તર પર રહે છે, જે ઠંડીના આગમનને અટકાવે છે. અગાઉના વર્ષોમાં 15 નવેમ્બર પહેલા પશ્ચિમી વિક્ષોભ બે-ત્રણ વખત આવતો હતો અને તાપમાનમાં ઘટાડો થતો હતો.બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે. તેની અસર ઓડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળી શકે છે.
ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.









