- રાજયમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
- સિઝનમાં પ્રથમ વખત તાપમાન 46 ડિગ્રીને પાર
- કંડલામાં સૌથી વધુ તાપમાન 46.1 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,મોટા ભાગના શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોચ્યું છે.તો રાજયના 4 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે.અમદાવાદમાં બે દિવસ ગરમીને લઈ હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે.કંડલામાં ગઈકાલે સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો,તો શહેરીજનોએ પણ કામ સિવાય બપોરના સમયે બહાર જવુ ટાળવું જોઈએ.
છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ ગરમીના આંકડા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 45.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી,ગાંધીનગર 45.7 ડિગ્રી,ભુજ 44.3 ડિગ્રી, અમરેલીમાં 44.9 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 44.1 ડિગ્રી, કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયમાં ગરમીનો હાહાકાર જોવા મળ્યો છે.
એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે
બપોરના સમય ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે. કારણ કે, આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બિમાર પડી શકે છે. આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈપણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
અમદાવાદમાં રાત્રે લઘુતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું
આજે પણ અમદાવાદીઓએ 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાનમાં શેકાવું પડશે. ગતરોજ રાત્રે લઘુતમ તાપમાન પણ 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં આટલું તાપમાન દિવસ દરમિયાન મહત્તમ તાપમાન હોય છે જ્યારે અત્યારે ઉનાળામાં જ રાત્રિ દરમિયાનનું લઘુતમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જેથી શહેરીજનોને દિવસે ગરમીમાં શેકાયા બાદ રાત્રે પણ ગરમીથી અકળામણ થાય. હજુ પણ આગામી 4-5 દિવસ આ પરિસ્થિતિમાંથી છુટકારો મળે તેવી સંભાવના નથી.









