ગુજરાતમાં ઉનાળાના પ્રકોપની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરતાં આગામી દિવસોમાં વધુ કાળઝાળ ગરમી જોવા મળશે. આગામી દિવસોમાં હોળીના તહેવાર છે. ત્યારે તહેવાર પહેલા જ ગરમીમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. માર્ચ મહિનો આવતા જ ઉનાળો બેઠો અને શિયાળાએ વિદાય લીધી. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં જ મે જેવી ગરમી જોવા મળી શકે છે. 


રાજકોટમાં સૌથી વધુ ગરમી

રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ સરેરાશ તાપમાનનો પારો 35 ડિગ્રીની પાર થતાં આગ ઝરતી ગરમીનો અનુભવ થશે. જુદા-જુદા શહેરમાં પણ સરેરાશ તાપમાનમાં 30 ડિગ્રીથી વધુનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ રાજકોટમાં સૌથી વધુ 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું જયારે સૌથી ઓછું દમણમાં દમણ 33.0 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. દમણ જેવા દરિયાઈ વિસ્તારોમાં પણ તાપમાને 30 ડિગ્રીનો આંક વટાવતા આ સપ્તાહમાં લોકોએ વધુ ગરમીથી શેકાવા તૈયાર રહેવુ પડશે.

જાણો કયાં કેટલું તાપમાન

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 35 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં 35 ડિગ્રી, અમરેલીમાં 35.8 ડિગ્રી, કેશોદમાં 35.4 ડિગ્રી, કંડલામાં 35.3 ડિગ્રી, ગાંધીનગરમાં 34.8 ડિગ્રી, ડીસામાં 35 ડિગ્રી, વડોદરામાં 35.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 34.5 ડિગ્રી, સુરતમાં 34.1 ડિગ્રી અને ભાવનગરમાં 33.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ગત વર્ષે સમાન ગાળામાં તાપમાન 32 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. પરંતુ હવે બદલાતા હવામાનને લઈને માર્ચની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઉચકાતા 35 ડિગ્રીએ પંહોચ્યો છે.

ઠંડીની વિદાય અને ગરમીની દસ્તક

ગરમી વધવાની સાથે શહેરના માર્ગો પર સવાર બાદ ટ્રાફિક ઘટશે. અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ગરમીનું પ્રમાણ વધતાં વિદ્યાર્થીઓ ભર ગરમીમાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ગરમી વધવાના કારણે પરીક્ષા કેન્દ્રો પર પાણીની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. માર્ચ મહિનાના અંત સુધીમાં અંગ દઝાડતી ગરમી જોવા મળે તેવી સંભાવનાને નકારી શકાય નહીં.

  • Follow us on: