રાજ્યમાં મૌસમે અચાનક તેનો મિજાજ બદલ્યો છે,ઉનાળાની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ ફરી શરૂ થયો છે,જેમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે,નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર શહેર બન્યું છે.ગુજરાતમાં 24 કલાક બાદ ફરીથી ગરમીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે,આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તેમજ રાજ્યમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 45 થી 50 કિંમી પ્રતિ કલાકની ઝડપે રહેશે તેવી આગાહી પણ આપવામાં આવી છે,ગત મોડી રાત્રે પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો,સાથે સાથે ઉત્તરથી પૂર્વ તરફ પવનની દિશા બદલાઈ છે અને મહતમ તાપમાન 2 થી 5 ડિગ્રી વધશે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી,કેશોદમાં 13.4 ડિગ્રી, પાટણમાં 14.2 ડિગ્રી,મહેસાણામાં 14.5 ડિગ્રી, ડીસા 14.7 ડિગ્રી,પાલનપુરમાં 15.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.4 ડિગ્રી,વડોદરામાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 17.5 ડિગ્રી તાપમાન નોધાયું છે.ઉત્તર પૂર્વના પવનોની દિશા બદલાઈ છે જેના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.આજે મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
બપોરે ગરમીનો થાય છે અહેસાસ
માર્ચ મહિનાની શરૂઆત સાથે શિયાળાની ઋતુનો અંત આવ્યો છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી, ઠંડા પર્વતીય પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા હોવાથી સવારે અને સાંજે હવામાન ઠંડુ રહે છે. જોકે, ભારે સૂર્યપ્રકાશને કારણે દિવસ દરમિયાન ગરમી પડી રહી છે. અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો 125 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. આ પહેલા, 1901 માં ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ગરમ હતો.
પશ્ચિમી વિક્ષેપને કારણે વરસાદ બરફવર્ષા અને ઠંડા પવનો જોવા મળી રહ્યા છે
ત્યારે વિશ્વ હવામાન સંગઠન (WMO) અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ માર્ચથી મે સુધીના ત્રણ મહિના માટે તીવ્ર ગરમીની આગાહી કરી છે. આ સાથે લોકોને તીવ્ર ગરમીના મોજાથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. ગોવા અને કોંકણ-કર્ણાટક વિસ્તારોમાં ગરમીનું મોજું શરૂ થઈ ગયું છે, જ્યારે દેશના બાકીના ભાગોમાં પશ્ચિમી વિક્ષેપને કારણે વરસાદ બરફવર્ષા અને ઠંડા પવનો જોવા મળી રહ્યા છે.









