• સૌરાષ્ટ્રના બે ડેમ ઓવરફ્લો, સૌથી ઓછું પાણી કચ્છમાં

  • મધ્ય ગુજરાતના ડેમોમાં 40.12, સૌરાષ્ટ્રના ડેમોમાં 24.80% પાણી
  • રાજ્યના અન્ય 194 ડેમોમાં 70 ટકા કરતાં ઓછું પાણી

ગુજરાતમાં વરસાદને પગલે સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 39.06 ટકા પાણીનો સંગ્રહ થયો છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી બે ડેમો સંપૂર્ણ છલકાતાં હાઈએલર્ટ મોડ અપાયું છે આ સિવાય 80થી 90 ટકા પાણીનો સંગ્રહ છે તેવા પાંચ ડેમોમાં એલર્ટ જ્યારે 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે તેવા પાંચ ડેમો વોર્નિંગ મોડ ઉપર છે.

રાજ્યના અન્ય 194 ડેમોમાં 70 ટકા કરતાં ઓછું પાણી છે. નર્મદા, જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યારે 50.01 ટકા પાણીનો સંગ્રહ થયો છે, ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પણ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 40.12 ટકા પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 34.78 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 25.67 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 24.80 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં સૌથી ઓછું પાણી કચ્છના ડેમોમાં છે, અહીંના 20 ડેમોમાં 22.20 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં વાપરવા લાયક પાણીનો સંગ્રહ એટલે કે જીવંત જથ્થો 19.67 ટકા, મધ્ય ગુજરાતમાં 36.65 ટકા, દક્ષિણ ગુજરાતમાં 28.48 ટકા જ્યારે કચ્છમાં 16.81 ટકા જેટલો છે. સૌરાષ્ટ્રના બે ડેમો સિવાય ગુજરાતમાં એક પણ ડેમ સંપૂર્ણ રીતે છલકાયું નથી.


  • Follow us on: