- જીરું, એરંડા, ઘઉં, બટાકા સહિત શાકભાજીના પાકમાં નુકસાનીની ભીતિ, એકનું મોત
- સુરેન્દ્રનગર સહિત 16થી વધુ જિલ્લાના 69 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો
- આ દરમિયાન બનાસકાંઠાના વડગામમાં વિજળી પડતાં એક ખેડૂતનું મોત નિપજ્યું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ઉનાળાના પ્રારંભે જ કેટલાક વિસ્તારોમા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શનિવાર સવારના 6 વાગ્યાથી સાંજના 8વાગ્યા દરમિયાન રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભુમિ દ્વારકા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, ભાવનગર, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિત 16થી વધુ જિલ્લાના 69 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. આ દરમિયાન બનાસકાંઠાના વડગામમાં વિજળી પડતાં એક ખેડૂતનું મોત નિપજ્યું હતુ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. બનાસકાઠા સહિતના વિવિધ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદના પગલે જરૂ, એરંડા, બટાકા તેમજ અન્ય શાકભાજી પાકમાં નુકશાનીનિ ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડયાં હતા.ખેડાના મહેમદાવાદ, માતર અને ખેડા તાલુકામાં સાંજના 6થી 8 વાગ્યા દરમિયાન અદધાથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
સૌથી વધુ એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ કચ્છના અંજાર તાલુકામાં પડતા ભર ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. એ સિવાય ભચાઉમાં 10 મીમી, ગાંધીધામમાં 7 મીમી, રાપરમાં 5 મીમી અને મુંદ્રામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. ધાનેરામાં 28 મીમી, ડિસામાં 21, ભાભરમાં 21, વડગામમાં 17, પાલનપુરમાં 9, દાંતિવાડામાં 9, અમીરગઢમાં 9, લાખણીમાં 7 એ સિવાય દિયોદર, કાંકરેજ, સુઈગામ, થરાદમાં પણ માવઠું થયું હતું. સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, દ્વારકા, કાલાવડ-ધ્રોલ, જામનગર,ખંભાળીયા,પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો જેમા વીજ ફોલ્ટની 30 ફરિયાદ નોંધાઈ હતી. કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં તૈયાર જીરું, ઘઉ, વરિયાળી અને રાયડો સહિતના પાકને નુકશાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટમાં 15 મિનિટ સુધી પડેલા વરસાદથી અનેક જગ્યાએ વરસાદી પાણીની નહેર વહેતી થઈ હતી તો અનેક સ્થળે લગ્નના મંડપના સમીયાણા હવામાં ઉડયા હતા. બહુમાળીભવન ચોક ખાતે અનેક વાહન ચાલકો સ્લીપ થયા હતા.










